સુરત સિવિલની ઘોર બેદરકારી: વૃદ્ધનું મોતિયાનું ઓપરેશન કર્યું પણ લેન્સ નાખવાનું જ ભૂલી ગયા! તપાસમાં ભાંડો ફૂટ્યો

January 13, 2026

ઉધના  : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઉધના વિસ્તારમાં રહેતા 63 વર્ષીય મોતીલાલ ગઢવાલ નામના વૃદ્ધના મોતિયાના ઓપરેશનમાં થયેલી બેદરકારીએ તબીબી આલમમાં ખળભળાટ મચાવ્યો છે. ઓપરેશનના દોઢ મહિના બાદ પણ વૃદ્ધને દેખાતું ન હોવાથી જ્યારે અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવી ત્યારે ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું હતું.

મોતીલાલભાઈની પુત્રવધૂ આરતીબેનના જણાવ્યા અનુસાર, 14મી નવેમ્બર, 2025ના રોજ જૂની સિવિલ હોસ્પિટલ (લાલીવાડી) ખાતે મોતીલાલભાઈની આંખનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનના બે દિવસ બાદ પાટો ખોલ્યો ત્યારે મોતીલાલભાઈને કંઈ જ દેખાતું નહોતું. ડૉક્ટરે 'ટીપાં નાખો, બધું ઠીક થઈ જશે' તેમ કહી ઘરે મોકલી દીધા હતા. જ્યારે પહેલી  ડિસેમ્બર 2025ના રોજ જ્યારે પરિવાર તેમને નવી સિવિલની OPDમાં લઈ ગયો, ત્યારે ત્યાંના ડૉક્ટરોએ તપાસીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો કે, આંખમાં લેન્સ નાખવામાં જ આવ્યો નથી.