ગુજરાતનું 3 લાખ 32 હજાર 465 કરોડ રૂપિયાનું બજેટ

February 02, 2024

ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. હવે તેના પછી આજે ગુજરાત રાજ્યનું બજેટ આવી ગયું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ બજેટ વિધાનસભામાં રજૂ કરી દીધું છે. આ વખતનુંં બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ હતું. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી હતી.   
ગુજરાત બજેટમાં NFSA લાભાર્થીઓને ખાદ્યતેલ આપવા 160 કરોડની જોગવાઈ કરાઈ છે. નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ કામગીરી માટે 25 કરોડની ફાળવણી કરાઈ. ઓલિમ્પિક કક્ષાનું માળખુ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા આયોજન કરાશે. મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવા 1309 કરોડની જોગવાઈ.  પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે 751 કરોડની જોગવાઈ. વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના માટે 255 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 5 હજાર કરોડની જોગવાઈ તથા જુના પુલના પુનઃબાંધકામ,સમારકામ માટે 270 કરોડની જોગવાઈ કરાઈ છે. 


બજેટમાં નવી બસો ખરીદવા માટે 768 કરોડની જોગવાઈ કરાઈ છે. ઈ-વ્હિકલ સબસીડી આપવા 218 કરોડ, બસ સ્ટેશનના આધુનિકરણ માટે 118 કરોડ, જળસંપત્તિ પ્રભાગ માટે 11535 કરોડ, ચેકડેમ, તળાવો ઉંડા કરવા 236 કરોડ તથા રાજકોટ જિલ્લાના વિંછીયા, ધરઈ જળાશયને જોડવા 160 કરોડની જોગવાઈ કરાઈ. 

બજેટની જોગવાઈ અનુસાર એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ કરાવવા 319 નવી 108 એમ્બ્યુલન્સ ખરીદાશે. યુ.એન.મહેતા હાર્ટ, કિડની હોસ્પિટલમાં તબીબી સાધનો ખરીદવા 60 કરોડ. ગાંધીનગર, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરૂ કરવા 40 કરોડ. અમદાવાદના બાવળા, સુરતના કામરેજમાં 300 બેડની હોસ્પિટલ બનાવાશે. આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલ 482 કરોડની જોગવાઈ કરાઈ છે. જ્યારે કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ આરોગ્યલક્ષી સેવા પુરી પાડવા 221 કરોડ ફાળવાયા છે.