કેરાટિન ટ્રીટમેન્ટ બાદ હેર કૅર છે જરૂરી

July 30, 2024

હેરને લઇને અનેક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એમાં કેરાટિન ટ્રીટમેન્ટ પોપ્યુલર છે. કેરાટિન ટ્રીટમેન્ટ કરાવવાથી વાળ સિલ્કી અને શાઇની થઇ જાય છે. આ ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ વાળ સ્ટ્રેટ થઇ જાય છે અને વાળને ડેમજ થતા અટકાવી શકાય છે, પરંતુ કેરાટિન કર્યા બાદ વધારે કૅર કરવાની જરૂર છે. જ્યાં સુધી કૅર કરવામાં ન આવે ત્યાં સુધી કેરાટિનની અસર વાળમાં દેખાતી નથી.

પહેલા વીકમાં રાખો ધ્યાન
જ્યારે કેરાટિન ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે બેથી ત્રણ દિવસ સુધી વાળને ધોવાના નથી હોતા, કારણ કે આમ કરવાથી ટ્રીટમેન્ટની અસર ઘટી જાય છે. તેથી ઓછામાં ઓછું 48 કલાક સુધી વાળમાં કોઇપણ પ્રકારની હેર સ્ટાઇલ પણ ન લેવી જોઇએ. પોની ટેલ કે પિનઅપ પણ ન કરવા જોઇએ. આ વાતનું ધ્યાન રાખવાથી ટ્રીટમેન્ટ લાંબો સમય સુધી ટકશે.

કેરાટિન પ્રોડક્ટનો ઉપયોગ
કેરાટિનમાં ત્રીજા અથવા ચોથા દિવસે શેમ્પૂ કરવામાં આવે છે. એ પહેલાં શેમ્પૂ કે કન્ડિશનર કરવામાં આવતું નથી. હંમેશાં કેરાટિન પ્રોટીન શેમ્પૂ કન્ડિશનર અને કેરાટિન હેર સ્ટાઇલિંગ પ્રોડક્ટનો જ ઉપયોગ કરવો જોઇએ. તો જ કેરાટિનનો ફાયદો લઇ શકો છો.

હેર સ્પા જરૂરી
જે યુવતીએ વાળમાં કેરાટિન ટ્રીટમેન્ટ કરાવી હોય, તેણે વાળની ક્વોલિટીને ધ્યાનમાં રાખીને દર મહિને અથવા બે મહિને હેર સ્પા કરાવવું જોઇએ. એનાથી વાળની ક્વોલિટી સારી રહે છે અને વાળ ડેમેજ થતા નથી.

કન્ડિશનરનો ઉપયોગ
સામાન્ય રીતે યુવતીઓ હેર વોશ કર્યા બાદ કન્ડિશનરનો ઉપયોગ કરતી હોય છે એ સારી વાત છે, પરંતુ જેમણે કેરાટિન કરાવ્યું છે તેમણે દર વખતે કન્ડિશનરનો ઉપયોગ કરવો એ જરૂરી નથી, કારણ કે કેરાટિન બાદ હેર વધારે ઓઇલી અને ગ્રીસી થઇ જાય છે, તેથી હેર સ્ટાઇલિસ્ટની સલાહ લીધા બાદ વીકમાં એક વખત અથવા પંદર દિવસે એક વખત હેર કન્ડિશનરનો ઉપયોગ કરો.

ધ્યાન રાખો

  • કેરાટિન પછી વાળમાં શેમ્પૂ કરવામાં આવે છે ત્યારે સસ્તાં શેમ્પૂનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે એમાં વધારે સલ્ફર અને સોડિયમ ક્લોરાઇડ જોવા મળે છે, જેથી તમારા વાળ ખરાબ થઇ શકે છે.
  • હેર સ્ટાઇલિસ્ટ સજેશ કરે એ અથવા માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોવા જોઇએ. જેમણે કેરાટિન ટ્રીટમેન્ટ કરાવી હોય અને તે લાંબા સમય સુધી હેરમાં રહે એવું ઇચ્છતા હોવ તો વારંવાર હેર વોશ કરવાનું ટાળો. વાળને વીકમાં એક વખત ધોવા જોઇએ. કેરાટિન કરાવ્યા બાદ આશરે બે વીક સુધી વાળમાં કોઇ પણ હેર સ્ટાઇલ ન લેવી જોઇએ.
  • પોની ટેલ પણ નહીં. તમે વાળની જેટલી કૅર કરશો એટલું વધારે સમય સુધી કેરાટિન તમારા વાળમાં રહેશે. તમે રેગ્યુલર જિમમાં જતા હોવ તો કેરાટિન ટ્રીટમેન્ટ બાદ જિમમાં જવાનું ટાળો. એક્સરસાઇઝ કરવાથી પરસેવો થશે અને એના લીધે હેરમાં બ્રેકેજ થઇ શકે છે.