કેનેડાના હિન્દુઓમાં ભારે આક્રોશ: રસ્તા પર ઉતરી ભીડ, મંદિરની બહાર શક્તિ-પ્રદર્શન

November 05, 2024

બ્રેમ્પટન : કેનેડાના બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરની બહાર લોકો એકઠા થઈ રહ્યા છે. આ લોકોના હાથમાં ભારતીય ધ્વજ છે, કેટલાક લોકોના હાથમાં ભગવા ધ્વજ પણ જોવા મળી રહ્યા છે. લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. આ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરની બહાર લોકોની ભીડને જોતા કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ મંદિરની બહાર જ ખાલિસ્તાનીઓએ હિન્દુ શ્રદ્ધાળુઓ પર લાઠીચાર્જ કર્યો હતો, તેમનો પીછો કર્યો હતો અને માર માર્યો હતો. આ ઘટનાને લઈને ભારતમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેનેડામાં મંદિરની બહાર હિન્દુઓ પર થયેલા હુમલાની નિંદા કરી હતી અને તેને 'ઇરાદાપૂર્વકનો હુમલો' ગણાવ્યો હતો.

બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરની બહાર વિરોધ કરી રહેલા કેટલાક લોકો ખાલિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવી રહ્યા છે. કેનેડાના ઈતિહાસમાં કદાચ પહેલીવાર કોઈ હિંદુ મંદિરમાં 'ખાલિસ્તાન મુર્દાબાદ'ના આવા નારા લગાવવામાં આવ્યા છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ઘટનાને લઈને હિંદુઓમાં કેટલો ગુસ્સો છે, જે આ સ્વરૂપમાં સામે આવી રહ્યો છે. આ પહેલાં સોમવારે પણ સેંકડો ભક્તો મંદિરની બહાર એકઠા થયા હતા અને 'જય શ્રી રામ' અને 'બટેંગે તો કટેંગે'ના નારા લગાવ્યા હતા.

ખાલિસ્તાની ધ્વજ સાથે આવેલા પ્રદર્શનકારીઓએ રવિવારે કેનેડામાં બ્રેમ્પટનમાં હિંદુ મંદિરમાં લોકો સાથે મારામારી થઈ, ત્યાર બાદ ઓટાવામાં ભારતીય ઉચ્ચાયોગે એક નિવેદન જાહેર કરી 'ભારત વિરોધી' તત્ત્વો દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે. નોંધનીય છે કે કેનેડાના સમય પ્રમાણે, રવિવારે સાંજે ખાલિસ્તાનીઓએ બ્રેમ્પટનમાં હિંદુ મંદિરના પરિસરની અંદર હિન્દુ-કેનેડાઈ ભક્તો ઉપર હુમલો કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો અને કેનેડાના અનેક નેતાઓ સહિત દુનિયાભરમાં તેની નિંદા થઈ.

ગઈકાલે સાંજે હિન્દુ સભા મંદિરની બહાર હિન્દુઓએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે X પર પોસ્ટ કરીને કહ્યું- કેનેડામાં હિંદુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની હું સખત નિંદા કરું છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ નિંદનીય છે. આવાં હિંસક કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડી શકે નહીં. અમે આશા રાખીએ છીએ કે કેનેડા સરકાર ન્યાય સુનિશ્ચિત કરશે અને કાયદાના શાસનને જાળવી રાખશે.

કેનેડાના બ્રેમ્પટનમાં હિંદુ મંદિર પર થયેલા હુમલા અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે, ‘ગઈકાલે ઓન્ટારિયોના બ્રેમ્પટનનામાં હિંદુ સભા મંદિર પર ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓએ હુમલો કર્યો હતો, જેની અમે કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. અમે કેનેડા સરકારને આવા હુમલાઓથી પૂજા સ્થળોને બચાવવા સુનિશ્ચિત કરવાનો આગ્રહ કરીએ છીએ. અમે સરકાર સમક્ષ અપેક્ષા રાખીએ છીએ કે, હિંસામાં સામેલ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવે. અમે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ખૂબ ચિંતિત છીએ.’

કેનેડામાં હિન્દુ સભા મંદિર ખાતે ખાલિસ્તાનીઓ દ્વારા હિન્દુ શ્રદ્ધાળુઓ પર કરાયેલા હુમલામાં કેનેડાની પોલીસની ભૂમિકા વિવાદાસ્પદ રહી છે. કેનેડાની પોલીસનો જ એક અધિકારી ખાલિસ્તાન તરફી પ્રદર્શનમાં સામેલ રહ્યો હતો. આ પીલ રિજનલ પોલીસના અધિકારીની ઓળખ સાર્જન્ટ હરિન્દર સોહી તરીકે થઈ છે. વીડિયોમાં તેને ખાલિસ્તાનના ઝંડા સાથે જોઈ શકાય છે. કેનેડાએ ખાલિસ્તાનીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર આ પોલીસકર્મી સામે કાર્યવાહી કરી છે.

અહેવાલ મુજબ વાઇરલ વીડિયોમાં તેની ઓળખની પુષ્ટિ થયા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસકર્મી તે જૂથનો ભાગ હતો જેણે બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં હાજર ભક્તો પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદથી હોબાળો ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના સામે વાંધો વ્યક્ત કર્યો છે.

કેનેડા જ એક પત્રકાર ડેનિયલ બોર્ડમેને અગાઉ ખુલાસો કર્યો હતો કે હિન્દુ સભા મંદિર ખાતે ખાલિસ્તાનીઓના હુમલામાં પીલ રિજનલ પોલીસ અધિકારી સાર્જન્ટ હરિન્દર સોહી સામેલ હતો. આ પત્રકારે સાર્જન્ટ હરિન્દર સોહીને સસ્પેન્ડ કરાયો હોવાની વાતને પુષ્ટિ આપતી એક પોસ્ટ ટ્વિટર પર મૂકી છે.