ઈન્ડોનેશિયાના સુલાવેસીમાં ભારે વરસાદના કારણે સોનાની ખાણમાં ભૂસ્ખલન, 11 મોત, 20 લોકો ગુમ

July 09, 2024

કુદરતનો પ્રકોપ એવો છે કે બધું નાશ પામે છે. ક્યારેક વરસાદ તો ક્યારેક પૂરના કારણે હજારો-લાખો લોકો બેઘર થઈ જાય છે અને કોણ જાણે કેટલા મૃત્યુ પામે છે. ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર આજકાલ આવો જ એક વિનાશ સર્જાયો છે. જ્યાં મુશળધાર વરસાદે તારાજી સર્જી છે. જેના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. વરસાદને કારણે ભૂસ્ખલન થતાં અનધિકૃત સોનાની ખાણમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે.

બચાવ એજન્સીના પ્રવક્તા અફીફુદ્દીન ઈલાહુદે જણાવ્યું હતું કે, રવિવાર, 7 જુલાઈના રોજ, ગોરોન્ટાલો પ્રાંતના સુદુરવર્તી બોન બોલાંગોમાં લગભગ 33 ગ્રામીણ એક નાની પરંપરાગત સોનાની ખાણમાં સોનાના કણો માટે ખોદકામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આસપાસની ટેકરીઓ પરથી માટીનો મોટો જથ્થો નીચે પડ્યો હતો. ગ્રામજનો કંઈ સમજે તે પહેલા તે કાદવમાં દટાઈ ગયા હતા.

પ્રવક્તાએ જણાવ્યું કે માહિતી મળતા જ બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. આ દરમિયાન બે ઘાયલ લોકોનો બચાવ થયો હતો. સોમવારે, 8 જુલાઈના રોજ, 11 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. તેમને કહ્યું કે બચાવકર્મીઓ હજુ પણ 20 અન્ય લોકોને શોધી રહ્યા છે જેઓ ગુમ થયા હોવાના રિપોર્ટ છે.