મુંબઇમાં ભારે વરસાદથી 7ના મોત, થાણે- પાલઘરમાં રેડ એલર્ટ જાહેર

August 19, 2025

મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સતત ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. મુંબઈ, થાણે, પાલઘર અને નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે પરિસ્થિતિ ખરાબ છે. IMD એ થાણે અને પાલઘર જિલ્લામાં 18-19 ઓગસ્ટ માટે રેડ એલર્ટ આપ્યુ છે.

આ કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે નાંદેડ જિલ્લામાં વાદળ ફાટ્યુ હતું જેમાં 200 થી વધુ લોકો ફસાયા હતા. તેઓને બહાર કાઢવા માટે એસડીઆરએફની મદદ લેવી પડી હતી. સીએમ દેવેન્દ્ર ફડણવીસે પુષ્ટિ આપી હતી કે અત્યાર સુધીમાં 7 લોકો મૃત્યુ પામ્યા છે.

મુંબઈના અંધેરી અને બોરીવલીમાં સૌથી વધારે વરસાદની અસર થઇ છે. અહીં 50 મીમીથી વધુ પાણી ભરાઈ ગયું છે. બોરીવલીથી ચર્ચગેટ સુધીના વિસ્તારોમાં આગામી થોડા કલાકોમાં વરસાદ વધુ તીવ્ર બનવાની ધારણા છે. બીજી તરફ કલ્યાણના જય ભવાની નગર વિસ્તારમાં નેતિવલી ટેકરી પર ભૂસ્ખલન થયુ હતું. વધુ પાણી ભરાઇ જવાને કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. લોકો સુધી  ખોરાક પહોંચાડવામાં આવી રહ્યો છે. લોકોને સ્થળાંતરિત કરીને  રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે અહીં સેના અને NDRF ટીમો તૈનાત કરી છે.