મુંબઈમાં ભારે વરસાદ, સ્કૂલ-કોલેજમાં રજા

August 18, 2025

દાદર : મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયુ છે. રાત દિવસ ધમધમતી માયાનગરી મુંબઈમાં છેલ્લા 72 કલાકથી અનરાધાર વરસાદના કારણે જનજીવન થંભી ગયુ છે. મુંબઈ ઉપરાંત અન્ય શહેરો અને ગામડાંઓમાં પણ મૂશળધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર ટ્રાફિક જામ થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

અંધેરી-બોરીવલીથી માંડી દાદર-ચર્ચગેટમાં પાણીઓ ભરાતાં ગાડીઓ ફસાઈ છે. હવામાન વિભાગે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરતાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) શાળાઓ અને કોલેજોમાં રજા આપી છે. 

BMCએ નાગરિકો માટે 1916 હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. તેમજ લોકોને ઘરમાં રહેવા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર ખસી જવા અપીલ કરી છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ચક્કાજામ થયો છે. રાત-દિવસ દોડતું શહેર આ વરસાદના કારણે અચાનક થંભી ગયુ છે.

હવામાન વિભાગે (IMD)એ આજે સવારે બે વાગ્યે જુદા-જુદા શહેરો-વિસ્તારો માટે વરસાદના એલર્ટ આપ્યા હતાં. જે મુજબ, આગામી ત્રણથી ચાર કલાકમાં મુંબઈ અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્રના કોકણ ક્ષેત્ર જેમાં મુંબઈ, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, સિંધુ દુર્ગ અને ગોવામાં ફ્લેશ ફ્લડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી દરિયા કિનારા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. 24 કલાકમાં રત્નાગિરીમાં  109 mm, સાંતા ક્રુઝમાં 71 mm, પણજીમાં 69 mm વરસાદ થયો છે. આગામી બે દિવસમાં મુંબઈ, થાણે, સહિત કોંકણ અને મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. મરાઠાવાડા અને વિદર્ભના અમુક હિસ્સા માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

BMC કમિશનર અને વહીવટી અધિકારી ભૂષણ ગગરાણીએ આજે બપોરે 12 વાગ્યા પછી મુંબઈની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. બીએમસી વહીવટીતંત્ર નાગરિકોને અપીલ કરી રહ્યું છે કે તેઓ ફક્ત જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળે. કોઈપણ જરૂરિયાતના કિસ્સામાં, સહાય અને સત્તાવાર માહિતી માટે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય હેલ્પલાઇન નંબર 1916 પર સંપર્ક કરો. સવારે 8:30 થી 11:30 વાગ્યા સુધીમાં ટાટા પાવર ચેમ્બુરમાં સૌથી વધુ 91.5 મીમી વરસાદ નોંધાયો હતો. વિક્રોલીમાં 78.5 મીમી, જુહુમાં 60.0 મીમી, સાયનમાં 58.5 મીમી, બાંદ્રામાં 50.0 મીમી, સાંતાક્રુઝમાં 47.2 મીમી અને કોલાબામાં 29.0 મીમી વરસાદ નોંધાયો છે.

સોમવાર સવારથી મહારાષ્ટ્રના નાંદેડના મુખેડ તાલુકામાં ભારે વરસાદ ચાલુ છે. ભીંગોલી, ભેંડેગાંવ, હસનાલ, રાવનગાંવ, ભસવાડી અને સાંગવી ભદેવ જેવા ગામોમાં પૂરની સ્થિતિ છે. સ્થાનિક વહીવટીતંત્રે NDRF ટીમો સ્થળ પર મોકલી છે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોમાં ઉભો પાક નાશ પામ્યો છે. વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવી છે.

ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે ભારે હોવાનું જણાવ્યું છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે ધુઆંધાર વરસાદ થવાની સંભાવના છે. 40-50 કિમી પ્રતિ કલાકની સ્પીડે વાવાઝોડાની સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે.