ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટેરિફ મુક્ત વેપાર સમજૂતી, કૃષિથી લઈને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને ફાયદો

December 22, 2025

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આર્થિક સંબંધોમાં એક ઐતિહાસિક વળાંક આવ્યો છે. બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) એટલે કે મુક્ત વ્યાપાર સમજૂતી પરની વાતચીત સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને સોમવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'આ સમજૂતી બાદ ન્યૂઝીલેન્ડ તેના 100 ટકા ટેરિફ લાઇન પર ટેક્સ ખતમ કરી દેશે, જેનાથી ભારતીય નિકાસકારોને ન્યૂઝીલેન્ડના બજારોમાં શૂન્ય ડ્યુટી સાથે સીધો પ્રવેશ મળશે.' પીએમ લક્સને વડાપ્રધાન મોદી સાથે વાતચીત કર્યા બાદ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, 'આ સમજૂતી ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો લાભ કીવી વ્યવસાયોને અપાવશે અને તેનાથી 1.4 અબજ ભારતીય ગ્રાહકો સુધી તેમની પહોંચ વધશે. અંદાજ છે કે આગામી બે દાયકામાં ન્યૂઝીલેન્ડની ભારત ખાતેની નિકાસ વાર્ષિક 1.1 બિલિયન ડોલરથી વધીને 1.3 બિલિયન ડોલર થઈ શકે છે. આ મહત્ત્વપૂર્ણ સમજૂતીની સત્તાવાર શરૂઆત 16 માર્ચ, 2025ના રોજ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વ્યાપાર મંત્રી ટોડ મેક્લે વચ્ચેની બેઠકથી થઈ હતી. માત્ર પાંચ રાઉન્ડની ઔપચારિક ચર્ચા અને અનેક વર્ચ્યુઅલ બેઠકો બાદ તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આ સમજૂતી હેઠળ ભારતે પણ ઉદારતા દાખવી ન્યૂઝીલેન્ડ માટે 70 ટકા લાઇન પર ટેરિફમાં છૂટછાટની ઓફર કરી છે. હાલમાં ભારતનો ન્યૂઝીલેન્ડમાં સરેરાશ આયાત ટેક્સ 2.3 ટકા છે, જ્યારે ભારતનો ટેક્સ 17.8 ટકા જેટલો ઊંચો છે, જે હવે આ સંધિ બાદ ઘટશે. નાણાકીય વર્ષ 2024-25માં બંને દેશો વચ્ચે 1.3 બિલિયન ડોલરનો વેપાર થયો હતો, જેમાં ભારતે 711.1 મિલિયન ડોલરની નિકાસ કરી હતી.