હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર 30 રોકેટ છોડયા, સૈન્ય મથકને ઉડાવ્યું : હવે ઇરાનના હુમલાની આશંકા

August 13, 2024

તેલ અવીવ : ઇઝરાયેલ પર ગમે ત્યારે ઇરાન મોટા હુમલા કરી શકે છે, જોકે તે પહેલા ઇઝબુલ્લાહે એક સાથે ૩૦ રોકેટ છોડયા હતા અને ઇઝરાયેલના સૈન્ય બેઝને ભારે નુકસાન પહોંચાડયું હતું. ઇઝરાયેલે જણાવ્યું હતું કે રવિવારે આખી રાત લેબનોનથી હિઝબુલ્લાહે રોકેટમારો ચાલુ રાખ્યો હતો. આ તમામ રોકેટ કબારી પ્રાંતમાં પડયા હતા, જોકે કોઇ મોટી જાનહાની સામે નથી આવી, જ્યારે ઇરાન પણ ગમે ત્યારે હુમલા શરૂ કરી શકે છે. આ ભીતિ વચ્ચે ઇઝરાયેલે પોતાના દેશના તમામ સુરક્ષાદળો માટે વિદેશ પ્રવાસ સસ્પેન્ડ કરી દીધો છે. ઇરાનના સંભવીત હુમલાને પગલે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની આગળ આવ્યા છે અને ઇરાનને ઇઝરાયેલ પર હુમલો ના કરવા અપીલ કરી છે. તમામ દેશ દ્વારા એક સંયુક્ત નિવેદન જાહેર કરાયું છે અને અપીલ કરાઇ છે કે ઇઝરાયેલ પર જો ઇરાન હુમલો કરશે તો સ્થિતિ વધુ કથળી શકે છે. આ સંયુક્ત નિવેદનને બ્રિટનની સરકાર દ્વારા સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. સાથે જ લોકોને અપીલ કરી હતી કે ગાઝામાં જે પણ નાગરિકો ઇઝરાયેલના હુમલાથી અસર પામ્યા છે તેમને તાત્કાલીક મદદ પહોંચાડવામાં આવે અને હવે આ યુદ્ધનો અંત લાવવામાં આવે. બીજી તરફ ઇઝરાયેલ હજુ પણ ગાઝામાં હુમલા કરી રહ્યું છે, છેલ્લા ૨૪ કલાકમાં ઇઝરાયેલના હુમલામાં પેલેસ્ટાઇનના ૨૫ નાગરિકો માર્યા ગયા છે. પેલેસ્ટાઇન સેન્ટ્રલ બ્યૂરો દ્વારા જારી આંકડામાં દાવો કરાયો છે કે ઇઝરાયેલે ગાઝા પટ્ટીની ૧.૮ ટકા વસતીનો સફાયો કરી નાખ્યો છે, જેમાં ૭૫ ટકા પીડિતો ૩૦થી ઓછી વયના છે. સાથે જ દાવો કર્યો છે કે ઇઝરાયેલે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં શરૂ કરેલા હુમલામાં અત્યાર સુધીમાં ૧૬ હજાર બાળકો માર્યા ગયા છે. જ્યારે ઇઝરાયેલે ખાન યુનુસ પ્રાંતને ખાલી કરી દેવા આદેશ આપ્યા છે, આ વિસ્તારમાં ઇઝરાયેલ ગમે ત્યારે હુમલા કરી શકે છે. ઇરાન ગમે ત્યારે ઇઝરાયેલ પર હુમલો કરી શકે છે જેને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલની ડિફેન્સ કમિટી દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. સાથે જ ઇઝરાયેલના તમામ ડિફેન્સ સ્ટાફના વિદેશ જવા પર હાલ રોક લગાવી દીધી છે. ઇરાનના મોટા હુમલાની ભીતિને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ઇઝરાયેલની સુરક્ષા વધારી દીધી છે. અમેરિકાએ ઇઝરાયેલ માટે ગાઇડેડ મિસાઇલ સબમરીન તૈનાત કરવા આદેશ આપ્યો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી લોયાડ ઓસ્ટિને અમેરિકાના અબ્રાહમ લિન્કન સ્ટ્રાઇક ગુ્રપને ઇઝરાયેલની મદદ માટે સબમરીન તૈનાત કરવા કહ્યું છે. ઇઝરાયેલ અને ગાઝા વચ્ચેના હુમલા અને હવે ઇરાનની ધમકી અમેરિકામાં ચૂંટણી પ્રચારનો મુદ્દો પણ બન્યા છે. બીજી તરફ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ૧૫મી ઓગસ્ટના રોજ મહત્વપૂર્ણ બેઠક યોજાઇ શકે છે. આ બેઠકમાં ઇઝરાયેલ પોતાના નાગરિકોને છોડી મુકવા માટે હમાસ પર દબાણ લાવી શકે છે.