ઈઝરાયલ-ઈરાન તણાવ વચ્ચે અમેરિકાએ લાલ સમુદ્રમાં હૂતી વિદ્રોહીઓના બે જહાજોને કર્યા નષ્ટ

August 14, 2024

અમેરિકાએ છેલ્લા 24 કલાકમાં લાલ સમુદ્રમાં ઈરાન સમર્થિત બે હૂતી જહાજોને નષ્ટ કરી દીધા છે. આ અંગે માહિતી આપતા સેન્ટકોમે જણાવ્યું હતું કે, આ જહાજો અમેરિકા અને વિસ્તારમાં વેપારી જહાજો માટે ખતરો બની શકતા હતા.

હૂતી વિદ્રોહીઓએ કહ્યું છે કે, તેઓ ગાઝામાં ઈઝરાયલ સામે લડી રહેલા ફિલિસ્તીનિઓના સમર્થનમાં લાલ સમુદ્ર અને અરબી સમુદ્રમાં માલવાહક જહાજો પર હુમલો કરવાનું ચાલુ રાખશે. લાલ સમુદ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં હૂતી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાની ઘણા ઘટનાઓ સામે આવી છે.

આ લેટેસ્ટ ઘટનાક્રમ એટલા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મિડલ ઈસ્ટમાં પહેલાથી જ ઈઝરાયલ અને ઈરાનના કારણે તણાવ વધી ગયો છે. અમેરિકાએ પણ ઈઝરાયલના સમર્થનમાં પોતાના યુદ્ધ જહાજો મોકલ્યા છે. ઈરાન સતત ધમકી આપી રહ્યું છે કે, તે ટૂંક સમયમાં ઈઝરાયલ પર હુમલો કરી શકે છે. યમનના મોટા ભાગ પર હૂતી વિદ્રોહીઓનું નિયંત્રણ છે. લાલ સમુદ્ર યુરોપને એશિયા અને પૂર્વ આફ્રિકા સાથે જોડતો સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગ છે.