કર્ણાટકમાં પ્રપોઝ ન સ્વીકારતાં હુબલીના કોંગ્રેસી નેતાની પુત્રીની વિધર્મીએ હત્યા કરી

April 20, 2024

કર્ણાટકના હુબલીમાં કોંગ્રેસના નેતા નિરંજન હીરેમઠની પુત્રી નેહાની છરીના સંખ્યાબંધ ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. નિરંજન હીરેમઠ હુબલી ધારવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર છે. નેહાની તેની જ કોલેજમાં, તેના ક્લાસમેટ ફયાઝે હત્યા કરી છે.

પોલીસ અનુસાર, નેહા પર હુમલો કર્યા બાદ ફયાઝ ત્યાંથી ભાગી ગયો હતો. નેહાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ આખો બનાવ સીસીટીવીમાં રેકોર્ડ થયો છે. પોલીસ સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરી રહી છે. નેહા હુબલીની કેએલઇ ટેક્નોલોજી યુનિવર્સિટીમાં ભણતી હતી. તેને સાથે ભણતા ફયાઝે પ્રયોઝ કર્યું હતું.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફયાઝ છ મહિના પહેલાં કોલેજની પરીક્ષામાં નાપાસ થયો હતો, જેથી તે કોલેજમાં ભણવા નહોતો આવતો. ગુરુવારે તે કોલેજ આવ્યો ત્યારે પોતાની સાથે ચાકુ લઈને આવ્યો હતો. કોલેજ આવીને તે સીધો નેહાની પાસે ગયો હતો અને કંઈ બોલ્યા વિચાર્યા વગર તેણે ધડાધડ ચાકુના વાર કરી દીધા હતા.

હુમલો કરીને તે ત્યાંથી ભાગી ગયો હતો પણ સ્થાનિક લોકોએ તેને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ અનુસાર, ફયાઝ ઘણા દિવસોથી નેહાનો પીછો કરતો હતો અને પ્રેમ માટે પ્રપોઝ કરતો હતો.