'હું નથી ઈચ્છતો કે જસપ્રીત બુમરાહ કેપ્ટન બને...' રવિ શાસ્ત્રીએ કારણ પણ જણાવ્યું

May 17, 2025

રોહિત શર્માના ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ, આ ફોર્મેટમાં નવા કેપ્ટનને લઈને એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. રોહિત પછી ટેસ્ટ કેપ્ટન તરીકે ફક્ત એક નહીં પરંતુ ચાર નામોની ચર્ચા થઈ રહી છે. આમાં શુભમન ગિલ અને ઋષભ પંતના નામ સૌથી વધુ ચર્ચામાં છે. એવું માનવામાં આવે છે કે શુભમન ગિલનું નામ લગભગ નક્કી છે, પરંતુ કેપ્ટનશીપની રેસમાં રહેલા જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાના નામ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. સુનીલ ગાવસ્કર, રવિચંદ્રન અશ્વિન અને સંજય માંજરેકર જેવા દિગ્ગજ ખેલાડીઓ જસપ્રીત બુમરાહને ટેસ્ટ કેપ્ટન તરીકે જોવા માંગે છે, પરંતુ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનો મત અલગ છે. રવિ શાસ્ત્રીએ ICC રિવ્યૂમાં કહ્યું હતું કે, 'ભારતીય ટીમને હવે નવો અભિગમ અપનાવવાની જરૂર છે. આવી સ્થિતિમાં, ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટીમના કેપ્ટનની પસંદગી કરવી જોઈએ.'
આ મામલે રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, 'ટેસ્ટ કેપ્ટનશીપનો બોજ જસપ્રીત બુમરાહ પર ન નાખવો જોઈએ, તેના બદલે શુભમન ગિલ અને ઋષભ પંત જેવા યુવા ખેલાડીઓને તક આપવો જોઈએ,જેમની પાસે ભવિષ્યમાં ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે.'  રવિ શાસ્ત્રીએ કહ્યું, 'મારા માટે ઓસ્ટ્રેલિયા પછી જસપ્રીત સ્વાભાવિક પસંદગી હોત, પરંતુ હું નથી ઇચ્છતો કે જસપ્રીતને કેપ્ટન બનાવવામાં આવે અને પછી તમે તેને બોલર તરીકે ગુમાવો.'  આ સાથે જ રવિ શાસ્ત્રીએ સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચમાં બુમરાહની પીઠની ઇજાનો પણ ઉલ્લેખ કર્યો. આ ઈજાને કારણે, તે લગભગ ત્રણ મહિના સુધી ટીમની બહાર રહ્યો અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારતની જીતમાં પણ રમી શક્યો નહીં.