હું અમેરિકાનો રાષ્ટ્રપતિ હોત તો ઈઝરાયલ પર ઈરાનનો હુમલો ના થયો હોતઃ ડોનાલ્ડ ટ્રમ્પની ફાંકેબાજી

April 14, 2024

વોશિંગ્ટન : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ સામે ઈરાનની જવાબી કાર્યવાહીને વખોડી કાઢી છે. સોશિયલ મીડિયામાં ટ્રમ્પે કહ્યું છે કે, હું અમેરિકાનો રાષ્ટ્રપતિ હોત તો ઈઝરાયલ પર હુમલો ના થાત. ઈઝરાયલ પર થઈ રહેલું આક્રમણ  રોકવાની જરુર હતી.


ટ્રમ્પે ઈઝરાયલનું સમર્થન કરતા સંદેશામાં અમેરિકન પ્રમુખ જો બાઈડનની આકરી ટીકા કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનના હુમલા પર બાઈડને કરેલું રાષ્ટ્રજોગ સંબોધન પહેલેથી જ રેકોર્ડ હતું. અત્યારે રેકોર્ડ કરાયેલા ભાષણો સાંભળવાનો સમય નથી. કદાચ હવે બાઈડનના સલાહકારો તેમને અગાઉથી રેકોર્ડ કરીને રાખેલા ભાષણોનુ પ્રસારણ નહીં કરવા માટે સમજાવશે. કાલથી બાઈડન કદાચ લાઈવ સંબોધન  કરશે. અમેરિકા ઈઝરાયલનું સમર્થન કરે છે અને હું ઈચ્છુ છું કે, ઈશ્વર ઈઝરાયલના લોકોને આશીર્વાદ આપે કારણકે અત્યારે તેમના પર હુમલો થઈ રહ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મુકેલા મેસેજ પહેલા જ બાઈડને  ઈરાનના હુમલા અંગે કહ્યું હતું કે, ઈઝરાયલની સુરક્ષા માટે અમેરિકા તેની સાથે જ છે અને ઈરાનના ખતરા સામે ઈઝરાયલના લોકોની સુરક્ષાને સમર્થન આપશે.