'તમે ચુપ રહો તો સારું, તમારા પિતા જ જવાબદાર..' નેતન્યાહૂના દીકરાના દાવા પર ઈઝરાયલી સેના ભડકી

November 20, 2023

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને લગભગ દોઢ મહિનો વીતી ચૂક્યો છે ત્યારે આ યુદ્ધમાં ઈઝરાયલી સૈન્ય ગાઝા પટ્ટીમાં 13000 લોકોના જીવ લઈ ચૂકી છે. દરમિયાન ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂના દીકરા યેર નેતન્યાહૂએ હમાસના હુમલા માટે હાઈકોર્ટના એક ચુકાદા અને ઈઝરાયલી સૈન્યની નિષ્ફળતાને જવાબદાર ઠેરવ્યાં છે. એક અહેવાલ અનુસાર યેરના આ નિવેદન પર ઈઝરાયલની રિઝર્વ ફોર્સ ભડકી ઊઠી છે. તેણે એક નિવેદન જારી કરીને કહ્યું કે સારું થશે કે તમે ચૂપ રહો. અમે 8 શહીદોને ગુમાવી દીધા છે. યેરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હાઈકોર્ટે ગાઝા બોર્ડર પર સૈન્યની તહેનાતીના નિયમોમાં ફેરફાર કર્યા હતા. આ જ કારણે હમાસના આતંકીઓ અમારી સરહદમાં પ્રવેશી ગયા. તેમણે કહ્યું કે 7 ઓક્ટોબરે થયેલો હુમલો ઈઝરાયલી સૈન્યની નિષ્ફળતાનું પરિણામ હતું કેમ કે સૈન્યએ નિર્ણય કર્યો હતો કે ગાઝા પટ્ટીમાં ઈંધણનો સપ્લાય અટકવો ન જોઈએ. યેરના નિવેદન પર વળતો જવાબ આપતાં ઈઝરાયલી સૈન્યની રિઝર્વ ફોર્સે કહ્યું કે આ તમારું અભિમાન છે. આ ભૂલોના દોષિત તમારા પિતા નેતન્યાહૂ છે. દેશ માટે જે શહીદી વહોરી રહ્યા છે અમે તેમની સાથે છીએ. તમે તો અહીંથી ભાગી ગયા.