અમેરિકાની બહાર ગયા તો ફસાઈ જશો! H1B વિઝા અંગે ગૂગલ, એપલ, માઈક્રોસોફ્ટની ચેતવણી

December 23, 2025

અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ઈમિગ્રેશન નીતિઓએ ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે મુશ્કેલીઓ વધારી દીધી છે. વિઝા સ્ટેમ્પિંગ માટેના વેઇટિંગ પિરિયડમાં થયેલો તોતિંગ વધારો અને સોશિયલ મીડિયા સ્ક્રીનિંગના કડક નિયમોને કારણે સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓએ તેમના કર્મચારીઓને કોઈપણ સંજોગોમાં અમેરિકા ન છોડવાની સલાહ આપી છે.

શું છે મુખ્ય વિવાદ?

15મી ડિસેમ્બર 2025 પછી, અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે H-1B અને H-4 વિઝા માટે 'ઓનલાઈન હાજરી સમીક્ષા' (સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેકિંગ) ફરજિયાત કરી છે. આ પ્રક્રિયા અત્યંત સમય માંગી લેતી હોવાથી વિઝા એપોઇન્ટમેન્ટમાં 12 મહિના સુધીનો વિલંબ થઈ રહ્યો છે.

મોટી ટેક કંપનીઓની કર્મચારીઓને સલાહ

ટેક જગતની અગ્રણી કંપનીઓએ તેમના વિદેશી કર્મચારીઓ (ખાસ કરીને ભારતીયો) માટે અલગ-અલગ એડવાઈઝરી જાહેર કરી છે:

માઈક્રોસોફ્ટ: કંપનીએ કર્મચારીઓને વિદેશ યાત્રા સંપૂર્ણપણે ટાળવાની સલાહ આપી છે. એપોઇન્ટમેન્ટ ફરીથી શેડ્યૂલ કરવાથી તેઓ મહિનાઓ સુધી અટવાઈ શકે છે. મુસાફરી યોજનાઓ પર પુનર્વિચાર કરો.

એમેઝોન: ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીમાં એપોઇન્ટમેન્ટ ધરાવતા કર્મચારીઓએ અમેરિકામાં રહેવું જોઈએ. વિદેશ પ્રવાસ કરવાથી એપોઇન્ટમેન્ટ રદ થઈ શકે છે, જેના કારણે લાંબા સમય સુધી કામ પર અસર પડી શકે છે.

ગૂગલ: વિઝા પ્રક્રિયામાં 12 મહિના સુધીનો વિલંબ શક્ય છે. વધુ માંગ અને વધેલી સ્ક્રીનીંગને કારણે વિદેશ મુસાફરી કરવાનું ટાળો. કોઈપણ પ્રશ્નો માટે કંપનીનો સંપર્ક કરો.

એપલ: માન્ય H-1B સ્ટેમ્પ વિના વિદેશ મુસાફરી કરવાનું ટાળો. જો મુસાફરી શક્ય ન હોય, તો તાત્કાલિક કંપનીના ઇમિગ્રેશન વિભાગનો સંપર્ક કરો.