ઈમરાનની કમબેક ફિલ્મમાં ભૂમિ પેડણેકર હિરોઈન બનશે

December 02, 2024

મુંબઇ : આમિર ખાનના ભાણેજ ઈમરાનની કમબેક ફિલ્મમાં હિરોઈન તરીકે ભૂમિ પેડણેકરને સાઈન કરી લેવામાં આવી હોવાનું કહેવાય છે. આ એક રોમાન્ટિક કોમેડી ફિલ્મ હશે. ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થવાની છે. ફિલ્મનું ટાઈટલ હજુ સુધી જાહેર કરાયું નથી. ઈમરાન અને દીપિકા પદુકોણની ફિલ્મ 'બ્રેક કે બાદ'ના દિગ્દર્શક દાનિશ અસ્લમ જ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. ઈમરાન બહુ વર્ષોથી ફિલ્મી દુનિયાથી દૂર થઈ રહ્યો હતો. જોકે, થોડા મહિનાઓ પહેલાં તેણે પોતાનાં પુનરાગમનનાં સંકેત આપ્યા હતા. અગાઉ અહેવાલો હતા કે તે અબ્બાસ મસ્તાનની એક થ્રીલરથી કમબેક કરવાનો છે. જોકે, એ ફિલ્મ અભેરાઈ પર ચઢી ગઈ હતી. ઈમરાન અને ભૂમિ પેડણેકરની જોડી કેટલાય ચાહકોને જરા અસામાન્ય લાગી રહી છે. ભૂમિ પેડણેકરે 'દમ લગા કે હૈસા'થી એક એકટ્રેસ તરીકે બહુ સારી છાપ છોડી હતી. જોકે, બાદમાં વધુ પડતી ગ્લેમરસ દેખાવાની લ્હાયમાં તેણે દમદાર એક્ટિંગનો સ્કોપ હોય તેવી ફિલ્મો કરવાનું ઓછું કરી નાખ્યું અને અત્યારે તેની ગણતરી ફલોપ કલાકારોમાં થવા લાગી છે.