અંબાજીમાં ભક્તોના હાથમાં મોહનથાળ આવતાં ખુશી,11985 પેકેટ વેચાયાં; ચીકીના માત્ર 1305 પેકેટનું વેંચાણ

March 18, 2023

અંબાજી : અંબાજી મંદિરમાં 15 દિવસના અંતે માતાજીનો મોહનથાળના પ્રસાદનું વિતરણ શરૂ થયું છે. જેને લઇ માં અંબાના દર્શનાર્થે આવેલા ભક્તો મોહનથાળનો પ્રસાદ હાથમાં આવતા જ જાણે માતાજીનો સાક્ષાત્કાર થતો હોવાનો ભાવ પ્રગટ કરતા જોવા મળ્યા હતા. સાંજ સુધીમાં તો મોહનથાળના 11985 પેકેટની સામે માત્ર 1305 પેકેટ ચીકીનું વેંચાણ થવા પામ્યું હતું.

યાત્રાધામ અંબાજીમાં શુક્રવારથી પુન: મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં ભાવિક ભક્તો ભાવ વિભોર બન્યા હતા.શુક્રવારે ચાલુ દિવસ હોવાને લઈ સાંજ સુધીમાં માડ પાંચથી છ હજાર યાત્રિકોએ માં અંબાના દર્શન કર્યા હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું. જ્યાં સાંજ સુધીમાં મોહનથાળના 11985 પેકેટ સામે માત્ર 1305 પેકેટ ચીકીનું વિતરણ થયું હતું.

જો કે પ્રસાદ ભેટ કાઉન્ટરો પર એક તરફ મોહનથાળ અને ચીકી ખરીદવા અંગેની કુપન મેળવવાના કાઉન્ટર, બીજી તરફ મોહનથાળ અને ચીકી મેળવવાના કાઉન્ટર પર ક્યાંય ચીકી અને મોહનથાળના પ્રસાદની જાણકારી માટેના કોઈ જ બોર્ડ જોવા મળ્યા ન હતા.

જેને લીધે ભીડ જોતાં જ અજાણ્યા ભક્તો ચીકીની કુપન મેળવી મોહનથાળનો પ્રસાદ મેળવવા જતા ચીકી મળ્યાનો નિઃશાશો વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. જોકે મોહનથાળનો પ્રસાદ ચાલુ થવાને લઇ મંદિર કર્મચારીઓ પણ યાત્રિકોના રોષનો ભોગ બનતા બચવાને કારણે ખુશી વ્યક્ત કરી હતી.