અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી

May 23, 2025

અમરેલી : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 27 મે સુધી રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે શુક્રવાર(23 મે, 2025)ના રોજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલીના લાઠી અને ગ્રામ્ય પંથક, કુંકાવાવ, બગસરા, વડીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદને પગલે વૃક્ષો પડી જવા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હોવાના દૃશ્યો જોવા મળ્યા છે. 


હવામાન વિભાગે આગામી 27 મે સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે શુક્રવારે (23 મે) અમરેલીના અનેક વિસ્તારોમાં વાવાઝોડું જેવી સ્થિતિની સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં અમરેલી તાલુકાના વડેરા, નાના ભંડારીયા, સરંભડા, ગાવડકા સહિતના ગામોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. જ્યારે લાઠી અને ગ્રામ્ય પંથકમાં પવન સાથે ઘોઘમાર વરસાદ ખાબકયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બીજા દિવસે વડીયામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થયો છે.  

અમરેલીથી કુંકાવાવ જતો સ્ટેટ હાઇવે ભારે વરસાદથી પ્રભાવિત થયો. નાના ભંડારીયા નજીક વૃક્ષો ધરાશય થવાના કારણે માર્ગ બંધ થતાં ફાયર ટીમ દોડી આવી પહોંચી હતી અને વૃક્ષો હટાવવાની કામગીરી શરુ કરી હતી. નાના ભંડારીયા અને વડેરા વિસ્તારમાં સૌથી વધુ મૂશળધાર વરસાદની બેટિંગ બારેમેઘ ખાંગા જેવી સ્થિતિ વર્તાઈ હતી.