કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સપાટો, NIAએ 7 રાજ્યોમાં સાગમટે દરોડા પાડ્યા

March 05, 2024

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં જેલના કેદીઓના કટ્ટરપંથીકરણના કેસના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મંગળવારે વહેલી સવારે 7 રાજ્યોમાં સાગમટે દરોડા પાડ્યા હતા. આ માહિતી આપતાં NIAના પ્રવક્તાએ કહ્યું કે તપાસ અધિકારીઓ 17 સ્થળોએ સર્ચ કરી રહ્યા છે.

NIAની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં બંધ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ટી નઝીર કેદીઓને હિંસક પ્રવૃત્તિઓ કરવા માટે કટ્ટરપંથી બનાવી રહ્યો હતો. બેંગલુરુ સિટી પોલીસે સાત પિસ્તોલ, ચાર હેન્ડ ગ્રેનેડ, એક મેગેઝિન, 45 લાઈવ રાઉન્ડ અને ચાર વોકી-ટોકી કબજે કર્યા પછી આ કેસ મૂળ રીતે ઓક્ટોબરમાં નોંધવામાં આવ્યો હતો.

NIAની ટીમોએ અગાઉ મોહમ્મદ ઉમર, મોહમ્મદ ફૈઝલ રબ્બાની, તનવીર અહેમદ અને મોહમ્મદ ફારૂક તેમજ ભાગેડુ જુનૈદના સ્થળો પર દરોડા પાડીને અનેક ડિજિટલ ઉપકરણો, ગુનાહિત દસ્તાવેજો અને રૂ. 7.3 લાખ રોકડા જપ્ત કર્યા હતા. એજન્સીના પ્રવક્તાએ અગાઉ ખુલાસો કર્યો હતો કે ઉમર, રબ્બાની, અહમદ, ફારુક અને જુનૈદ લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવ અને આજીવન કેદની સજા ભોગવી રહેલા ટી નઝીરના સંપર્કમાં આવ્યા હતા, જ્યારે સેન્ટ્રલ જેલ, પરપ્પના અગ્રાહરા, બેંગલુરુમાં કેદ હતા.