ઓડિશામાં દલિતો સાથે બર્બરતા, ગટરનું પાણી પીવા મજબૂર કર્યા: રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં મનુસ્મૃતિ નહીં ચાલે

June 24, 2025

ઓડિશાના એક ગામમાં બે દલિત યુવકો સાથે આચરવામાં આવેલા ગેરવર્તનથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપતાં ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે.  રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આ ઘટના મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે, ઓડિશામાં બે દલિત યુવકોને ઘૂંટણિયે ચાલવા, ઘાસ ખાવા અને ગંદુ ગટરનું પાણી પીવા મજબૂર કર્યા છે, તે તદ્દન અમાનવીય ઘટના જ નહીં પણ મનુવાદી વિચારસરણીની બર્બરતા છે. 

આગળ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ઘટના એવા લોકોને અરીસો બતાવે છે કે, જેઓ બૂમો પાડીને કહી રહ્યા છે કે, જાતિ હવે મુદ્દો રહ્યો નથી. દલિતોની ગરિમાને કચડતી આ ઘટના બાબા સાહેબના બંધારણ પર પ્રહાર સમાન છે. સમાનતા, ન્યાય અને માનવતા વિરુદ્ધ ષડયંત્ર છે. ભાજપ શાસિત રાજ્યોમાં આ પ્રકારની ઘટનાઓ બનવી સામાન્ય છે. કારણકે, તેમનું રાજકારણ રોષ, નફરત અને ઊંચ-નીચના ભેદભાવ પર નભેલું છે. ખાસ કરીને ઓડિશામાં એસસી, એસટી અને મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર સતત વધી રહ્યા છે. દોષિતોને તુરંત આકરી સજા આપવી જોઈએ. દેશ બંધારણથી ચાલશે, મનુસ્મૃતિથી નહીં.