રાજકોટમાં કેન્દ્ર સરકારના ક્લાસ વન અધિકારીનો આપઘાત, 5 લાખની લાંચ લેતા પકડાયા હતા

March 25, 2023

અમદાવાદ : રાજકોટમાં કેન્દ્ર સરકારના ક્લાસ વન અધિકારીએ ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યાના સમાચાર મળી રહ્યા છે. આ પહેલા અધિકારી ગઈકાલે સીબીઆઈના હાથે પાંચ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. 

રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જવરીમલ બિશ્નોઇએ આજે સવારે ઓફિસની બિલ્ડીંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. ગઈકાલે જ જવાલાલ બિસ્નોઇ સીબીઆઇના હાથે રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા હતા. સીબીઆઇની ટ્રેપ બાદ આખી રાત ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા લગાવાઈ રહી છે. ચોથે માળેથી ઝંપલાવતા તેને ગંભીર ઇજા થતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

રાજકોટમાં ગઈકાલે ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇને CBIની ટીમે એક ટ્રેપ ગોઠવીને રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા હતા. આ મામલે ફરિયાદી શહેરની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે જવરીમલ બિશ્નોઈને રૂપિયા પાંચ લાખ આપવા માટે ગયા હતા અને આ રકમ જવરીમલ બિશ્નોઇએ સ્વીકારી હતી. આ જ સમયે CBIની ટીમ ઓફિસમાં પહોંચી ગઈ હતી અને રૂપિયા 5 લાખની લાંચ લેતા જાવરીમલ બિશ્નોઇને રંગે હાથ ઝડપી લીધા હતા. જવરીમલ બિશ્નોઇ દ્વારા NOC આપવા માટે કુલ રૂપિયા નવ લાખની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચના પ્રથમ હપ્તા પેટે રૂપિયા પાંચ લાખ આપવા કીધુ હતું. આ વેપારી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે સીબીઆઈમાં અરજી કરીને જાણ કરી હતી. આ મામલે સીબીઆઈએ ગુનો દાખલ કરી ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપમાં જવરીમલ બિશ્નોઇ ફસાઈ ગયા હતા અને તેને ઝડપી લેવામાં આવ્યા હતા.