યુદ્ધની વચ્ચે આ દેશમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ બુલડોઝરથી તોડી પડાઈ, ભારતે વિરોધ નોંધાવ્યો

December 25, 2025

એશિયામાં બે દેશો વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે ભગવાન વિષ્ણુની મૂર્તિ પર બુલડોઝર ફેરવી દેવાતા ભારતે ઘટનાની આકરાશબ્દોમાં નિંદા કરી છે. ઘણા દિવસથી દક્ષિણ પૂર્વીય એશિયાઈ દેશો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. આઠ ડિસેમ્બરથી શરૂ થયેલા યુધ્ધમાં લગભગ 40 લોકોના મોત થયા છે અને 800,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે કંબોડિયાએ હવે થાઈલેન્ડ પર વિવાદિત સીમા વિસ્તારમાં હિન્દુ મૂર્તિ તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  ભારતે સીમા વિવાદ વિસ્તારમાં હિન્દુ દેવતાની પ્રતિમા તોડી પાડવાને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડનારું કૃત્ય ગણાવ્યું છે અને બંને દેશોને વારસાને નુકસાન ન પહોંચાડવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા અપીલ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતા કહ્યું છે કે અમે અહેવાલો જોયા, આ પ્રકારના અપમાનજનક કૃત્યો વિશ્વભરના હિન્દુ દેવી-દેવતાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને તે થવું જોઈએ નહીં, લોકો ખૂબ જ શ્રદ્ધા સાથે હિન્દુ અને બૌદ્ધ દેવતાઓને માને છે.  કંબોડિયાના દાવા પ્રમાણે થાઈ સેનાએ કંબોડિયન ક્ષેત્રમાં  100 મીટર સુધી પ્રવેશ કરીને એન સેસ વિસ્તારમાં આવેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ તોડી પાડી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કાર્યવાહીની આકરી ટીકા થઈ રહી છે. કંબોડિયા પ્રાચીન મંદિરો અને મૂર્તિઓના વિનાશની સખત નિંદા કરે છે. જોકે, આ બાબતે થાઈ સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બંને દેશો એક બીજા પર યુદ્ધ ભડકાવવાના આરોપ લગાવી રહ્યા છે. કંબોડિયાનું કહેવું છે કે થાઈ સૈનિકોએ સરહદ વિસ્તારમાં મંદિરો અને ખંડેરોને નુકસના પહોંચાડ્યું છે જ્યારે થાઈલેન્ડનો દાવો છે કે કંબોડિયાએ વર્ષો જૂના પથ્થર મંદિરોની આસપાસ સૈનિકો ખડકી દીધા છે. કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચેનો આ સરહદ વિવાદ વસાહતી સમયગાળા દરમિયાન ખેંચાયેલી 800 કિલોમીટર લાંબી સરહદ રેખા અને સરહદ પર આવેલા પ્રાચીન મંદિરોના અવશેષોને લઈને છે.  ભારત બંને પક્ષે શાંતિની અપીલ કરી રહ્યું છે. આ પહેલા પણ ભારતે થાઈ-કંબોડિયા સરહદ નજીક સ્થિત 12મી સદીના શિવ મંદિર, પ્રેહ વિહાર સાથે સંકળાયેલ સંરક્ષણ માળખાને નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનું રક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.