ગુજરાતમાં હૃદયરોગની સાથે પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં પણ વધારો, દરરોજ 35 વ્યક્તિઓ બને છે શિકાર

September 18, 2024

છેલ્લા કેટલાક વર્ષથી હૃદયરોગની સાથે પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં જ આ વર્ષે 8 મહિનામાં 8300થી વઘુ લોકોને પેરાલિસિસનો હુમલો આવ્યો છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 35 વ્યક્તિ પેરાલિસિસ-સ્ટ્રોકનો શિકાર બને છે. 

થોડા વર્ષ અગાઉ પેરાલિસિસ-સ્ટ્રોકનો શિકાર બનનારા મોટાભાગના વૃદ્ધો હતા. પરંતુ હવે ચિત્ર બદલાયું છે અને યુવાનોમાં પણ પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમા ગત વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન પેરાલિસિસ-સ્ટ્રોકના 7911 કેસ નોંધાયા હતા, જેની સરખામણીએ આ વર્ષે 8 મહિનામાં 8380 કેસ નોંધાયેલા છે. પેરાલિસિસ-સ્ટ્રોકના સૌથી વઘુ કેસમાં અમદાવાદ 2317 સાથે મોખરે છે. આ સ્થિતિએ અમદાવાદમાં દરરોજ સરેરાશ 10 વ્યક્તિને પેરાલિસિસ-સ્ટ્રોક માટે ઈમરજન્સી સેવા ‘108’ ની મદદ લેવી પડી છે. 

ડોક્ટરોના મતે હાર્ટ એટેકમાં પ્રત્યે જેમ લોકોની જાગૃતિ વધી રહી છે તેમ પેરાલિસિસ-સ્ટ્રોક અંગે પણ લોકોમાં જાગૃતિ વધે તેવા પ્રયાસ હાથ ધરવા જોઇએ. પેરાલિસિસ-સ્ટ્રોકના લક્ષણ જણાય તો પ્રથમ 3 કલાક ખૂબ જ મહત્ત્વના છે. દર્દીને જેટલી ઝડપથી સારવાર મળે તેટલી ઝડપથી તેની સાજા થવાની સંભાવના વધી જાય છે. સ્ટ્રોકના વધતા કેસ માટે મેદસ્વીપણું, બેઠાડુ જીવન, બ્લડ પ્રેશર, હાઇપર ટેન્શન જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે.