ભારત વિકાસ યાત્રા માટે એઆઈનો લાભ લઈ રહ્યું છે : પીએમ મોદી

June 15, 2024

બારી : દુનિયામાં ટેક્નોલોજીમાં મોનોપોલીનો અંત લાવવાની હાકલ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ૨૧મી સદી ટેક્નોલોજીની સદી છે. જી-૭ સમિટના આઉટરીચ સેશનમાં પીએમ મોદીએ ઊર્જાના ક્ષેત્રમાં ભારતના દૃષ્ટિકોણ અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ અંગે પણ વાત કરી હતી. વધુમાં દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે ચિંતા પ્રવર્તી રહી છે ત્યારે પીએમ મોદીએ કહ્યું કે, ભારત તેની વિકાસ યાત્રા માટે એઆઈનો લાભ લઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઈટાલીના અપુલિયામાં આયોજિત જી-૭ સમિટના આઉટરીચ સેશનમાં ભારતમાં તાજેતરમાં જ પૂરી થયેલી લોકસભા ચૂંટણીની વિશેષતા અને તેની વિશાળતાની માહિતી આપી હતી અને જણાવ્યું કે, ભારતની ચૂંટણી દુનિયાના લોકતંત્રો માટે સૌથી મોટું પર્વ છે. તેમણે ઉમેર્યું કે, ૨૧મી સદી ટેક્નોલોજીની સદી છે. માનવ જીવનનું ભાગ્યે જ કોઈ પાસુ ટેક્નોલોજીથી પ્રભાવિત નહીં હોય. આ ટેક્નોલોજી મનુષ્યને ચંદ્ર પર જવાની હિંમત આપવાની સાથે સાયબર સિક્યોરિટી જેવા પડકારો પણ પેદા કરે છે. આપણે ટેક્નોલોજીનો સંહારક નહીં પરંતુ સર્જનાત્મક સ્વરૂપ આપવું જોઈએ ત્યારે જ આપણે સમાવેશક સમાજનો પાયો નાંખી શકીશું. તેમણે ઉમેર્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં ભારત રાષ્ટ્રીય રણનીતિ બનાવનારા પહેલા કેટલાક દેશોમાં સામેલ છે. આ રણનીતિના આધારે અમે આ વર્ષે એઆઈ મિશન લોન્ચ કર્યું છે. ભારત તેની વિકાસ યાત્રામાં એઆઈના લાભ લઈ રહ્યું છે. તેનો મૂળ મંત્ર છે એઆઈ ફોર ઓલ. ગ્લોબલ પાર્ટનરશિપ ફોર એઆઈના સંસ્થાપક સભ્ય અને લીડ ચેર તરીકે અમે બધા જ દેશો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા માટે કટિબદ્ધ છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને તણાવમાં ગ્લોબલ સાઉથના દેશોએ સૌથી વધુ સહન કરવું પડે છે. આવા સમયે ભારત વિશ્વના આ દેશોની પ્રાથમિક્તાઓ અને ચિંતાઓ વિશ્વ સમુદાય સમક્ષ ઉઠાવવાની પોતાની જવાબદારી સમજ્યું છે.