શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી

December 07, 2025

ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના અને કામગીરી

શ્રીલંકા : વિનાશક વાવાઝોડા 'દિતવાહ'થી પ્રભાવિત થયેલા શ્રીલંકામાં ભારતીય સેના માનવીય સહાય પૂરી પાડી રહી છે. વાવાઝોડાને કારણે શ્રીલંકામાં ભારે જાનમાલનું નુકસાન થયું હતું, રસ્તાઓ ધોવાઈ ગયા હતા અને અનેક ઘરોમાં પાણી ભરાયા હતા. આ સ્થિતિમાં સેંકડો લોકોને તાત્કાલિક તબીબી સહાયની જરૂર હતી. જેમાં ભારતીય સેનાની મેડિકલ ટીમ દ્વારા સ્થાપિત ફિલ્ડ હોસ્પિટલે અત્યાર સુધીમાં 1250થી વધુ અસરગ્રસ્ત નાગરિકોની સારવાર કરી છે, જેમાં પાંચ મોટી ઈમરજન્સી સર્જરી પણ સામેલ છે.
ભારતીય સેનાની 73 સભ્યોની તબીબી ટીમ 2 ડિસેમ્બરે શ્રીલંકા પહોંચી હતી. ત્યારબાદ 5 ડિસેમ્બરથી મહિયંગનાયામાં એક સંપૂર્ણ રીતે કાર્યરત ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી. આ હોસ્પિટલમાં ડોકટરો, નર્સીસ અને અનેક ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત છે. તેમજ હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ, ઈમરજન્સીની સારવાર, નાની સર્જરી, ઈજાઓ, ચેપ અને આપત્તિથી ઊભી થયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉપચાર કરવામાં આવી રહ્યો છે.


સેના દ્વારા જણાવ્યા અનુસાર, આ હોસ્પિટલને વાયુસેનાના C-17 MCC વિમાન દ્વારા એરલિફ્ટ કરવામાં આવી હતી. ભારતીય સેનાના આ તબીબી દળમાં ઘાયલ વ્યક્તિઓ માટે એડવાન્સ્ડ ડ્રેસિંગ સ્ટેશન અને મોબાઇલ સર્જિકલ ટીમોનો સમાવેશ થાય છે. તેમની પાસે પૂર્ણ સુસજ્જ ઓપરેશન થિયેટર છે, જે મોટી અને નાની બંને પ્રકારની સર્જરી કરવા સક્ષમ છે. ઉપરાંત, અહીં એક સમયે 20થી 30 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવાની સુવિધા છે.