કેનેડામાં ભારતીય પરિવારનું મોત:ભડથું થઈ ગયેલા 3 મૃતદેહ મળ્યા

March 16, 2024

ઓન્ટારિયો કેનેડાના ઓન્ટારિયોમાં રહેતા એક ભારતીય પરિવારના ઘરમાં આગ લાગવાથી ત્રણ સભ્યો મૃત્યુ પામ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસને આશંકા છે કે ઘરમાં આગ લગાવવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે આ આગ આકસ્મિક રીતે લાગી હોય તેવું લાગતું નથી.

પોલીસે શનિવારે જણાવ્યું હતું કે 7 માર્ચે બ્રેમ્પટન શહેરમાં એક મકાનમાં આગ લાગી હતી. આગ ઓલવાયા બાદ અહીં માનવ અવશેષો મળી આવ્યા હતા. જો કે કેટલા લોકો આગમાં મોતને ભેટ્યા છે તે અંગે સ્પષ્ટ થયું નથી. 15 માર્ચે, માનવ અવશેષોની ઓળખ ભારતીય પરિવારના ત્રણ સભ્યો તરીકે કરવામાં આવી હતી.

પોલીસ અધિકારી ટેરીન યંગે કહ્યું- રાજીવ વારિકુ, તેમની પત્ની શિલ્પા કોઠા અને 16 વર્ષની પુત્રી મહેક વારિકુનું આગમાં ભડથું થઈ જવાને કારણે મોત થયું હતું. આગ લાગી તે પહેલા ત્રણેય ઘરમાં હાજર હતા.

પોલીસે કહ્યું- આગ ખૂબ જ ભયાનક હતી. ઘર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. અમે તપાસ કરવા માટે હજી સુધી કંઈ કડી મળી નથી. અમને લાગે છે કે તે અકસ્માત નહોતો પરંતુ આગ લાગાવવામાં આવી હતી. હાલમાં અમને કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ અમે હત્યાના એંગલથી પણ તપાસ કરી રહ્યા છીએ.

પરિવારના પાડોશી કેનેથ યુસુફે જણાવ્યું કે વારિકુ પરિવાર આ મકાનમાં 15 વર્ષથી રહેતો હતો. પતિ-પત્ની વચ્ચે ક્યારેય ઝઘડો થયો નથી. તેઓ એક સુખી કુટુંબ જેવા દેખાતા હતા. ગયા અઠવાડિયે, આગ લાગતા પહેલા ઘરમાંથી સીવ્ર ધડાકો સંભળાયો હતો. ધડાકો સાંભળીને જ્યારે અમે બહાર આવ્યા તો ઘરમાં આગ લાગી હતી. થોડા કલાકોમાં ઘર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું.