ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આજે 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર

April 28, 2025

પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા પહલગામમાં થયેલા ક્રૂર હુમલા બાદ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે ભારતીય નૌકાદળ પોતાની તાકાતમાં વધારો કરશે. ભારત આજે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઈટર જેટ વિમાન ખરીદવા ડીલ કરશે. બંને દેશઓના સિનિયર ડિફેન્સ ઓફિસર્સ, ફ્રેન્ચ કંપની Dassault Aviationના સભ્યો અને સુરક્ષા સચિવની હાજરીમાં રાફેલ ફાઈટર જેટ વિમાનની રૂ. 63887 કરોડની ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવશે. 6.6 અબજ યુરો એટલે કે 63,887 કરોડ રૂપિયાના આ સોદામાં ભારતને 22 નંગ સિંગલ-સીટ રાફેલ-એમ (Rafale-M) જેટ અને 4 નંગ ટ્વીન-સીટ જેટ એમ કુલ 26 નંગ પ્લેન મળશે. એ ઉપરાંત આ રકમમાં શસ્ત્રો, સિમ્યુલેટર, ક્રૂને આપવામાં આવનારી તાલીમ, વિમાનોની જાળવણી સહાય તથા પાંચ વર્ષ માટે પ્રદર્શન-આધારિત લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેના દ્વારા હાલમાં જે 36 નંગ રાફેલ વિમાનો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે એના સ્પેરપાર્ટ્સ અને સાધનોનો પણ આ ડીલનાં સમાવેશ થાય છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી સંરક્ષણ સોદો છે. ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ 27 એપ્રિલે ભારત આવવાના હતા, પણ આતંકવાદી હુમલાને લીધે સર્જાયેલી તંગદિલીને લીધે તેમણે ભારતની યાત્રા મુલતવી રાખી હતી. તેથી હવે બંને દેશોના સુરક્ષા અધિકારીઓ 28 એપ્રિલ, સોમવારના રોજ નવી દિલ્હીમાં આ ડીલ પર હસ્તાક્ષર કરશે. બંને દેશના સંરક્ષણ મંત્રી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ મીટિંગમાં હાજર રહેશે.  રાફેલ જેવા અત્યાધુનિક ફાઈટર જેટ પ્લેનના નિર્માણ અને પરીક્ષણમાં ખાસ્સો સમય લાગતો હોવાથી વર્તમાન સોદાની ડિલિવરી મેળવવા માટે ભારતે ઓછામાં ઓછા ચાર વર્ષ રાહ જોવી પડશે. પહેલો બેચ 2029 ના અંત સુધીમાં મળવાની અપેક્ષા છે, જ્યારે સમગ્ર ઓર્ડર 2031 સુધીમાં પૂરો પાડવામાં આવશે. આ વિમાનો INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત જેવા વિમાનવાહક જહાજો પરથી સંચાલિત થશે.