ઇન્ડિગો સંકટ હજુ પણ યથાવત, દિલ્હી-બેંગલુરુમાં 160 ફ્લાઇટ્સ થઇ રદ્દ

December 13, 2025

એરલાઇન્સના દાવાઓ અને સંસ્થાની કાર્યવાહી વચ્ચે ઇન્ડિગોનું સંકટ હજુ પણ યથાવત જોવા મળી રહ્યુ છે. શુક્રવારે એટલે કે 12 ડિસેમ્બરે માત્ર દિલ્હી અને બેંગલુરુથી 160 ફ્લાઇટ્સ રદ્દ થવાના સામાચાર સામે આવી રહ્યા છે. DGCA દ્વારા કાર્યવાહી કરતાં ચાર અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, પરંતુ હકીકતમાં મુસાફરોને હજુ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગયા એક અઠવાડિયાથી ચાલી આવતી ઇન્ડિગો ફ્લાઇટ કેન્સલ અને ક્રાઇસિસની વચ્ચે શુક્રવારે પણ દેશના બે મુખ્ય એરપોર્ટ પરથી એરલાઇન્સની આશરે 160 ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે.આ દરમિયાન એરલાઇનએ જણાવ્યું છે કે 12 ડિસેમ્બરે 2050થી વધુ ફ્લાઇટ્સ ચલાવવાની અપેક્ષા છે. 9 ડિસેમ્બર 2025થી ઓપરેશન્સ સ્થિર થઈ ગયા છે. સમયસર ફ્લાઇટ્સ ઇન્ડિગોના ધોરણો પર પાછી આવી ગઈ છે. નેટવર્કમાં તમામ 138 સ્થળો જોડાઈ ગયા છે.

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, શુક્રવારે ઇન્ડિગોએ દિલ્હી અને બેંગલુરુમાંથી કુલ 160 ફ્લાઇટ્સ રદ્દ કરી. આ આંકડો ચિંતાજનક છે, કારણ કે તેના એક દિવસ પહેલાં, ગુરુવારે પણ આ બંને એરપોર્ટ પરથી 200થી વધુ ફ્લાઇટ્સ રદ્દ થઇ હતી, જેમાં હજારો મુસાફરો અસરગ્રસ્ત થયા હતા. શુક્રવારે દિલ્હી એરપોર્ટ પર કુલ 105 ફ્લાઇટ્સ રદ્દ થઈ, જેમાં 52 પ્રસ્થાન અને 53 આગમન ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. જ્યારે બેંગલુરુ એરપોર્ટ પર કુલ 54 ફ્લાઇટ્સ રદ્દ થઈ, જેમાં 31 આગમન અને 23 પ્રસ્થાન સામેલ હતા.