નિમિષા પ્રિયાની મોતની સજા રદ થઈ કે નહીં? ગ્રાન્ડ મુફ્તીના દાવા પર સત્તાવાર પુષ્ટિ નહીં

July 29, 2025

કેરળની નર્સ નિમિષા પ્રિયાને યમનમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ તેને 16 જુલાઈએ ટાળી દેવામાં આવી હતી. આ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે, નિમિષાની સજા રદ થઈ ગઈ છે. જોકે, આવું કશું થયું નથી. નોંધનીય છે કે, કેરળની રહેવાસી આ નર્સને યમનમાં પોતાના બિઝનેસ પાર્ટનરની હત્યા મામલે ગુનેગાર સાબિત થઈ હતી.  ભારતીય ગ્રાન્ડ મુક્તિ કંથાપુરમ અબૂબકર મુસલિયારના ઓફિસે કહ્યું હતું કે, સનામાં થયેલી એક હાઇ-લેવલ મીટિંગ બાદ નિમિષા પ્રિયાની સજાને રદ કરવામાં આવી છે. વળી વિદેશ મંત્રાયલના સૂત્રોએ જણાવ્યું કે, 'નિમિષાને લઈને અમુક લોકોએ ખોટી જાણકારી શેર કરી છે.'  16 જુલાઈ, 2025ના દિવસે નિમિષાની ફાંસીની તારીખ નક્કી હતી. પરંતુ, ભારત સરકારે કેરળના ધાર્મિક નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓના પ્રયાસ બાદ તેને ટાળવામાં આવી હતી. ગ્રાન્ડ મુફ્તી ઑફ ઈન્ડિયા, અબૂબકર મુસલિયારે યમનના પ્રમુખ સૂફી વિદ્વાન શેખ ઉમર બિન હફીઝ સાથે  આ મામલે દખલગીરી કરવાની અપીલ કરી હતી, શેખ ઉમરે તલાલના પરિવાર સાથે વાતચીત કરી, ત્યારબાદ તેની સજા ટાળવામાં આવી હતી.  મળતીમાહિતી મુજબ, નિમિષા પ્રિયાની ફાંસીની સજા હજુ સુધી રદ કરવામાં નથી આવી. પરંતુ, યમનના કાયદા અનુસાર માફીની જોગવાઈ છે. યમનમાં શરિયા કાયદો લાગુ છે, જે હેઠળ હત્યાના મામલે 'બ્લડ મની' દ્વારા મૃતકના પરિવારની સંમતિથી ગુનેગારને માફી મળી શકે છે.  નિમિષા પ્રિયા મૂળ કેરળના પલક્કડના વતની છે. વર્ષ 2008માં તેઓ નોકરી માટે યમન ગયા હતા અને ત્યાં તેમની મુલાકાત એક સ્થાનિક નાગરિક તાલાલ અબ્દો અહેમદી સાથે થઈ. યમનમાં યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થતાં નિમિષાએ તેના પતિ અને બાળકને ભારત પરત મોકલ્યા અને પોતે નર્સ તરીકે ફરજ બજાવતી રહી. નિમિષા અને તાલાલ અબ્દો અહેમદીએ પાર્ટનરશિપમાં એક ક્લિનિકની શરૂઆત કરી. જોકે થોડા દિવસો બાદ તેણે નિમિષાનું શોષણ કરવાની શરૂઆત કરી. તેણે નિમિષાનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો હતો. વર્ષ 2017માં નિમિષાએ પોતાનો પાસપોર્ટ પરત લેવા માટે તે શખસને બેભાન કરવાનો પ્રયાસ કર્યો અને પાસપોર્ટ લઈને ત્યાંથી ભાગી ગઈ. જોકે દવાના ઓવરડોઝના કારણે તે શખસનું નિધન થયું અને યમનના અધિકારીઓએ નિમિષાની ધરપકડ કરી. 2018માં નિમિષાને હત્યા માટે ગુનેગાર સાબિત થઈ અને 2020માં યમનની કોર્ટે તેને મોતની સજા સંભળાવી. જોકે, માનવાધિકાર સંગઠનો અને વિવિધ સામાજિક કાર્યકર્તાઓએ નિમિષાને બચાવવા માટે અભિયાન શરૂ કર્યું હતું.