દેશમાં કેટલા મંદિરો સરકારના તાબા હેઠળ છે? સુપ્રીમ કોર્ટે બાંકે બિહારી મંદિર સમિતિના વાંધા પર કર્યો સવાલ

July 29, 2025

સુપ્રીમ કોર્ટે મથુરાના ઐતિહાસિક બાંકે બિહારી મંદિરની વ્યવસ્થાપન સમિતિને જાણ કરવાનું કહ્યું છે કે, ભારતમાં કેટલા મંદિરોનું નિયંત્રણ સરકારે કાયદા હેઠળ પોતાના હાથમાં લીધું છે. હકીકતમાં મંદિરની મેનેજમેન્ટ કમિટી તરફથી સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલને સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, 'સરકારે, રાજ્યએ, કેટલા સેંકડો મંદિરનો નિયંત્રણ પોતાના હાથમાં લીધું છે? તેમને જે પણ દાન મળી રહ્યું હોય...  બહેતર રહેશે કે, તમે ત્યાં જઇને તપાસ કરો.' જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની ખંડપીઠ આ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી હતી, જે ઉત્તર પ્રદેશના શ્રી બાંકે બિહારી મંદિર ન્યાસ ઓર્ડિનન્સ-2025ની વિરૂદ્ધમાં કરવામાં આવી હતી. મથુરા સ્થિત ઠાકુર શ્રી બાંકે બિહારીજી મહારાજ મંદિરની વ્યવસ્થાપન સમિતિના એડવોકેટ તન્વી દુબે દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી, અરજીમાં સરકારના એ ઓર્ડિનન્સને પડકારવામાં આવ્યો હતો, જેમાં મંદિરનું નિયંત્રણ રાજ્ય સરકારને સોંપી દેવાયું છે.  જ્યારે કોર્ટને જણાવવામાં આવ્યું કે, મંદિર સંબંધિત એક અન્ય અરજી અલગ ખંડપીઠ પાસે પેન્ડિંગ છે, તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંને કેસને સિંગલ બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવા માટે ભારતના મુખ્ય ન્યાયાધીશના આદેશની જરૂર છે. સુનાવણીની શરૂઆતમાં ખંડપીઠે સવાલ કર્યો કે, અરજદાર અલ્હાબાદ હાઇકોર્ટની બદલે સીધા સુપ્રીમ કોર્ટે કેમ આવ્યા? ત્યારે કપિલ સિબ્બલે આખો વિવાદ જણાવતા કહ્યું કે, રાજ્ય સરકાર એક ખાનગી ધાર્મિક સંસ્થાનું સંચાલન પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારને કોરિડોર પ્રોજેક્ટના પુનર્વિકાસ માટે 300 કરોડના મંદિર ભંડોળનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે, જે નિર્ણય હાલમાં પડકારવામાં આવી રહ્યો છે. આ સંબંધિત કેસમાં, મંદિરના ભક્ત દેવેન્દ્ર ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટના 15 મેના આદેશને પાછો ખેંચવાની માંગ કરતી અરજી દાખલ કરી છે, જેમાં દલીલ કરવામાં આવી છે કે મંદિર વ્યવસ્થાપન સમિતિને સાંભળ્યા વિના આ આદેશ પસાર કરવામાં આવ્યો હતો. સેવાયત રજત ગોસ્વામી અને 350 સભ્યોની મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યનું વર્તન દુર્ભાવનાપૂર્ણ હતું કારણ કે, પાંચ એકર ભૂમિ સંપાદન માટે મંદિરના ભંડોળના ઉપયોગ સાથે સંબંધિત મુદ્દે હાઇકોર્ટે 8 નવેમ્બર, 2023ના દિવસે પહેલાં જ નિર્ણય આપી દીધો છે અને તેમણે રાજ્યને ભૂમિ અધિગ્રહણ માટે મંદિરના પૈસાના ઉપયોગની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. ઉત્તર પ્રદેશ સરકારે હાઈકોર્ટના 8 નવેમ્બર, 2023ના આદેશ સામે અપીલ દાખલ કરી નથી અને તેના બદલે સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ અરજીમાં પક્ષકાર બનવા માટે અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 'ઉપરોક્ત ખાસ અનુમતિ અરજી ગિરિરાજ સેવા સમિતિની ચૂંટણીઓ સંબંધિત એક સંપૂર્ણપણે અલગ મુદ્દા સાથે સંબંધિત હતી, જે બાંકે બિહારીજી મહારાજ મંદિરથી સંપૂર્ણપણે અલગ મુદ્દો છે. સુપ્રીમ કોર્ટે 15 મે, 2025 ના રોજ પોતાના આદેશમાં, અન્ય બાબતોની સાથે, ઉત્તર પ્રદેશ રાજ્યને મંદિરના ભંડોળનો ઉપયોગ કરીને પાંચ એકર જમીન સંપાદન કરવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો હતો.'