ત્રણ વર્ષ અને રૂ.2156 કરોડમાં તૈયાર થયેલી ફિલ્મ અવતાર-3નું ટ્રેલર રિલીઝ, પેંડોરામાં દેખાયો નવો ખતરનાક દુશ્મન

July 29, 2025

 જેમ્સ કેમરૂનની પ્રખ્યાત ફિલ્મ 'અવતાર'નો ત્રીજો ભાગ, 'અવતાર: ધ ફાયર એન્ડ ધ એશ', આ ક્રિસમસ પહેલા 19 ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં દર્શકોને એક નવો વિલન, જબરદસ્ત ફાઈટીંગ સીન અને અદભૂત વિઝ્યુઅલ્સ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે જોઇને ફેન્સમાં ફિલ્મની લઈને ઉત્સુકતા વધી રહી છે. 

'અવતાર: ફાયર એન્ડ એશ'ના ટ્રેલરમાં પેંડોરાની દુનિયાનું એક નવું અને ખતરનાક પ્રકરણ શરૂ થતું દેખાય છે. આ વખતે વાર્તામાં 'એશ પીપલ' નામનો એક રહસ્યમય સમુહ સામેલ થયો છે. ટ્રેલરમાં જેક સુલી અને તેનો પરિવાર મેટકેયના કબીલા સાથે મળીને વરંગ અને તેની સેના સામે લડતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે હવે વરંગે ક્વારિચ (સ્ટીફન લેંગ) સાથે હાથ મિલાવ્યા છે. ટ્રેલરની સૌથી ચોંકાવનારી ઝલક એ છે કે વરંગ પાસે આગને કંટ્રોલ કરવાની શક્તિ છે. તેની શક્તિથી પેંડોરાના લીલાછમ જંગલો સળગતા દેખાય છે, જે ફિલ્મમાં આવનારા ભયની ઝલક આપે છે.

'અવતાર: ફાયર એન્ડ એશ' માં સેમ વર્થિંગ્ટન અને ઝો સલદાના ફરી એકવાર જેક અને નેયતિરીના પાત્રમાં જોવા મળશે. તેમની સાથે સિગૌર્ની વીવર, સ્ટીફન લેંગ, કેટ વિન્સલેટ સહિત ઘણા કલાકારો પાછા ફરી રહ્યા છે. આ વખતે ફિલ્મમાં ઊના ચેપલિન દ્વારા ભજવાયેલ વરંગ નામનો એક નવો વિલન પણ જોવા મળશે. ઉપરાંત, ડેવિડ થેવલિસ અને મિશેલ યોહ જેવા પ્રખ્યાત કલાકારો પણ પહેલીવાર આ ફિલ્મમાં જોડાઈ રહ્યા છે.