ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણ? પૂર્વ CMના દિલ્હીમાં ધામાથી અટકળો તેજ

July 29, 2025

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ દિલ્હીમાં ધામા નાખતાં ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણની અટકળો તેજ થઈ છે. મંગળવારે (29મી જુલાઈ) વસુંધરા રાજે સિંધિયાએ સંસદ ભવનમાં લગભગ 20 મિનિટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ મુલાકાત અનૌપચારિક હતી, પરંતુ તેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનઈ રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ, સંગઠનની ભાવિ વ્યૂહનીતિ અને આગામી નાગરિક ચૂંટણીઓ અંગે ચર્ચા થઈ હતી. જો કે, આ બેઠક અંગે કોઈપણ પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણની અટકળો તેજ થઈ છે.  ખાસ વાત એ છે કે  વસુંધરા રાજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. જોકે આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન ભાજપમાં આંતરિક જૂથવાદ અને નેતૃત્વ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને વસુંધરા રાજેના કેમ્પ અને સંગઠનાત્મક નેતૃત્વ વચ્ચેના સંબંધો હંમેશા સરળ રહ્યા નથી. પરંતુ હવે જ્યારે આગામી પેટાચૂંટણીઓ અને રાજસ્થાનમાં પંચાયત સ્તરની વ્યૂહનીતિ સક્રિય થઈ રહી છે, ત્યારે વસુંધરા રાજેની દિલ્હી મુલાકાતને એક વ્યૂહાત્મક ચાલ તરીકે જોવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, ભાજપ હાઇકમાન્ડ હવે ફરી એકવાર રાજસ્થાનમાં વસુંધરા રાજેને મોટી જવાબદારી આપવાનું વિચારી શકે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને રાજસ્થાનમાંથી મોટી સફળતા મળી હતી, પરંતુ હવે સંગઠનને રાજ્યમાં સ્થિરતા અને સંકલનની જરૂર છે. આવી સ્થિતિમાં વસુંધરા રાજે જેવા અનુભવી નેતાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની શકે છે. વસુંધરા રાજે સિંધિયાએ દિલ્હી મુલાકાત અંગે હજુ સુધી કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. જોકે તેમના નજીકના સાથીઓ કહે છે કે તે સૌજન્ય મુલાકાત હતી, પરંતુ સમય અને સંદર્ભને ધ્યાનમાં લેતા તેને માત્ર ઔપચારિક ગણવું મુશ્કેલ છે.