ડેડલાઈન નજીક પણ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી અટવાઈ

July 29, 2025

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઈનને આડે હવે માત્ર બે દિવસ બાકી છે. બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે અનિશ્ચિતતાઓ જળવાઈ રહી છે. બંને પક્ષે વાટાઘાટો ચાલી રહી હોવા છતાં હજુ સુધી નક્કર જાહેરાત કરવામાં આવી નથી. આ મામલા સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે, હજુ વેપાર કરારમાં વધુ સમય લાગી શકે છે.

યુએસ ટ્રેડના પ્રતિનિધિ જેમિસન ગ્રીરે જણાવ્યું હતું કે, ભારત સાથે વધુ વાટાઘાટોની જરૂર છે. તેમણે જણાવ્યું કે, ભારતના સ્થાનિક બજારને સુરક્ષિત રાખવાના લાંબા સમયથી ચાલતા અભિગમના કારણે વેપાર કરારમાં અમુક વસ્તુઓ વધુ જટિલ બની છે. જેથી વધુ સમય લાગી રહ્યો છે. અમે ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેઓએ પોતાના માર્કેટમાં અમારા માટે તકો ખુલ્લી મુકવા સમર્થન આપ્યું હતું. પરંતુ અમારે અમારા મિત્ર દેશ ભારત સાથે વધુ વાટાઘાટ કરવાની જરૂર છે કે, વાસ્તવમાં તેઓ શું ઈચ્છે છે.

ગ્રીરે વધુમાં જણાવ્યું કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અપેક્ષા રાખે છે કે વેપાર કરાર નોંધપાત્ર રીતે બજારો ખોલશે, જેમાં ભાગીદાર દેશના અર્થતંત્રના મોટા ભાગો સુધી પહોંચી શકાશે. પરંતુ  ભારત સાથે સમજવા જેવી વાત એ છે કે તેની વેપાર નીતિ ઘણા લાંબા સમયથી ચાલતાં તેના સ્થાનિક બજારને મજબૂત રીતે સુરક્ષિત રાખવા પર આધારિત છે. તેઓ આ અભિગમ પર બિઝનેસ કરે છે. જેના લીધે વેપાર કરારમાં અડચણો ઉભી થઈ છે.

ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે અગાઉ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વેપાર કરારમાં 26 ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ રદ કરવામાં આવી શકે. પરંતુ ગત સપ્તાહે તેમણે નિવેદન આપ્યું હતું કે, ભારત-યુએસ વેપાર સંબંધમાં કોઈ મુદ્દા પર અડગ નથી. હાલ ચાલી રહેલી વેપાર મંત્રણામાં ઈમિગ્રેશન-એચ1બી વિઝા જેવા મુદ્દાઓ પર કોઈ ચર્ચા થઈ નથી.