ઈઝરાયલે 'સોમાલીલેન્ડ'ને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપતા 21 મુસ્લિમ દેશો ભડક્યા

December 28, 2025

ઈઝરાયલે 26મી ડિસેમ્બરે આફ્રિકાના હોર્ન પ્રદેશમાં સ્થિત 'સોમાલીલેન્ડ'ને સત્તાવાર રીતે એક સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી દીધી છે. આમ કરનાર ઈઝરાયલ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. જો કે, ઈઝરાયલના આ સાહસિક પગલાએ મુસ્લિમ દેશોના સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.
ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સોમાલીલેન્ડના પ્રમુખ અબ્દિરહમાન મોહમ્મદ અબ્દુલ્લાહી વચ્ચે થયેલા કરાર બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. સોમાલીલેન્ડ વર્ષ 1991માં સોમાલિયાથી અલગ થયા બાદ તે આંતરરાષ્ટ્રીય માન્યતા માટે ઝંખતું હતું. સોમાલિયા આ પ્રદેશને પોતાનો અભિન્ન ભાગ માને છે. ઈઝરાયલના આ નિર્ણયને સોમાલિયાની સાર્વભૌમત્વ પરના હુમલા તરીકે જોવામાં આવે છે.
ઈઝરાયલના આ નિર્ણય સામે જોર્ડન, ઇજિપ્ત, અલ્જેરિયા, કોમોરોસ, જીબુટી, ગામ્બિયા, ઈરાન, ઇરાક, કુવૈત, લિબિયા, માલદીવ, નાઇજીરીયા, ઓમાન, પાકિસ્તાન, પેલેસ્ટાઈન, કતાર, સાઉદી અરેબિયા, સોમાલિયા, સુદાન, તૂર્કિયે અને યમને ઈઝરાયલ સામે વિરોધ વ્યક્ત કર્યો છે.