હિઝબુલ્લાની ધમકી બાદ ઈઝરાયલની ફરી એરસ્ટ્રાઈક, મિસાઈલ હુમલા શરૂ

September 19, 2024

લેબેનોનમાં મંગળવારે પેજર સીરિયલ બ્લાસ્ટ અને બુધવારે અનેક સ્થળે મોબાઈલ, લેપટોપ, વોકી-ટોકીઝ સહિતના વાયરલેસ ડિવાઇસમાં અચાનક બ્લાસ્ટ થયા બાદ હિઝબુલ્લાહે ઇઝરાયલને ધમકી આપી હતી. જે પછી ઇઝરાયલે જવાબ આપતાં હિઝબુલ્લાહના કેટલાક ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક અને મિસાઇલ હુમલા કર્યા હતા. જો કે, આવી સ્થિતિ દરમિયાન ઇઝરાયલની આ કાર્યવાહીથી બંને દેશો વચ્ચે તણાવ હજુ વધવાની શક્યતા છે.

મીડિયા અહેવાલ મુજબ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઇડીએફ) એ પુષ્ટિ કરી છે કે, 'તેઓ લેબેનોનમાં ઘણા લક્ષ્યો પર હુમલો કરી રહ્યા છે અને તેમનું લક્ષ્ય હિઝબુલ્લાહની આતંકવાદી ક્ષમતાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાનું છે. X પર એક પોસ્ટમાં, આઇડીએફ એ કહ્યું કે હિઝબુલ્લાહે નાગરિકોના ઘરોને હથિયારોથી ભરી દીધા છે. ઘરોની નીચે ટનલ ખોદવામાં આવી છે. નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. દક્ષિણ લેબેનોન યુદ્ધ ક્ષેત્રમાં ફેરવાઈ ગયું છે. 

પેજર અને વોકી ટોકીમાં બ્લાસ્ટની ઘટનાઓ ઉપરાંત ઇઝરાયલના હુમલાઓ પર હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, 'ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહના માળખાને કોઇ નુકસાન થયું નથી. જો કે, સામાન્ય લોકોને આમાં ચોક્કસપણે નુકસાન થયું છે. હાલ અમે કોઈ નિષ્કર્ષ પર નથી પહોંચી રહ્યા, પરંતુ આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.' નસરલ્લાહે આ ઘટનાને મોટી સુરક્ષા ચુક ઉપરાંત આતંકવાદી હુમલો અને નરસંહાર ગણાવ્યું છે. 

હસન નસરલ્લાહે આ ઘટના અંગે પશ્ચિમી દેશો પર આરોપ મૂક્યો હતો અને ઇઝરાયલને ધમકી આપી હતી. તેણે કહ્યું કે, 'અમેરિકા અને અન્ય યુરોપિયન દેશોને કારણે ઇઝરાયલ પાસે આટલી ટેક્નિકલ ક્ષમતા છે. પરંતુ આટલી મજબૂત ક્ષમતા હોવા છતાં તેઓ અમને ઘૂંટણિયે લાવી શક્યા નથી. હિઝબુલ્લાહ પર આ હુમલાની યોગ્ય સજા આપવામાં આવશે અને તે પણ એવી જગ્યાએ જ્યાં ઈઝરાયલે વિચાર્યું પણ ન હોય.'