બળાત્કારના આરોપોને લીધે જાની માસ્ટરનો નેશનલ એવોર્ડ પાછો ખેંચાયો

October 08, 2024

મુંબઈ: સાઉથના ટોચના કોરિયોગ્રાફર જાની માસ્ટરને 'તિરુચિત્રમબલમ' ફિલ્મનાં 'મેઘમ કરુકથા' ગીત માટે મળેલો બેસ્ટ કોરિયોગ્રાફીનો નેશનલ એવોર્ડ પાછો ખેંચી લેવાયો છે. જાની માસ્ટરની તેની એક આસિસ્ટન્ટ પર બળાત્કાર માટે ધરપકડ થઈ હોવાને પગલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ એવોર્ડ  સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. વધુ કોઈ  આદેશો ન મળે ત્યાં સુધી આ એવોર્ડ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તેમ શુક્રવારે જારી કરાયેલા એક હુકમમાં જણાવાયું હતું. જાની માસ્ટરને ૨૦૨૨નાં વર્ષનો એવોર્ડ અપાયો હતો. આ એવોર્ડનો  વિતરણ  સમારંભ આગામી તા. આઠમી ઓક્ટોબરે છે. પરંતુ, તેને આ સમારંભ માટે પાઠવાયેલું આમંત્રણ કાર્ડ પણ પાછું ખેંચી લેવાયું છે. જાની માસ્ટરની એક આસિસ્ટન્ટે ફરિયાદ કરી હતી કે ૨૦૨૦માં મુંબઈમાં એક રોકાણ દરમિયાન જાની માસ્ટરે તેનું જાતીય શોષણ કર્યું હતું. આ આક્ષેપો બાદ ગયા સપ્ટેમ્બર માસમાં ગોવા પોલીસે તેની ધરપકડ કરી છે. જાની માસ્ટરે 'પુષ્પા'ના 'તેરી ઝલક અશર્ફી' તથા તાજેતરમાં મેગા  હિટ થયેલી ફિલ્મ 'સ્ત્રી ટૂ'ના 'આજ કી રાત' સહિતનાં ગીતોની કોરિયોગ્રાફી કરી છે.