શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થતાં કાલપુર ગાદી ઊજવશે સમૈયૌ, 200 વિઘામાં હેરિટેજ થીમનું નગર

January 18, 2026

અમદાવાદ- વિશ્વના પહેલા સ્વામિનારાયણ મંદિર, કાલુપુર ગાદી દ્વારા ભગવાન સ્વામિનારાયણ લખાયેલી શિક્ષાપત્રીના 200 વર્ષ પૂરા થતા સમૈયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ આગામી 23મીથી 27મી જાન્યુઆરી 2026 દરમિયાન અડાલજ સ્થિત ત્રિમંદિરની બાજુમાં આવેલા ગ્રાઉન્ડમાં યોજાશે. અંદાજે 200 વિઘા વિસ્તારમાં તૈયાર કરવામાં આવી રહેલા આ નગરીમાં દેશ-વિદેશમાંથી 15 લાખથી વધુ હરિભક્તો ઉમટી પડશે. મહત્ત્વનું છે કે, આ મહોત્સવમાં સ્વામિનારાયણ ભગવાન દ્વારા લખાયેલી ઓરિજિનલ શિક્ષાપત્રી ભક્તોના દર્શન માટે મૂકવામાં આવશે. આ ઉપરાંત પ્રદર્શન, બાળ નગરી અને AI બેઝથી શિક્ષાપત્રી એક્ઝિબિશન સેન્ટર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.
આ સમગ્ર મહોત્સવને અમદાવાદની હેરિટેજ સિટી અને કાલુપુર મંદિરની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. મહોત્સવનો મુખ્ય પ્રવેશદ્વાર 126 ફૂટ લાંબો અને 35 ફૂટ ઊંચો છે, જે અમદાવાદના ઐતિહાસિક 'ત્રણ દરવાજા' અને કાલુપુર મંદિરના સ્થાપત્ય રજૂ કરે છે. અહીં કેમ્પસમાં ખાણી-પીણી માટે તૈયાર કરવામાં આવેલું ફૂડ કોર્ટ પણ અમદાવાદના જાણીતા માણેકચોકની શૈલીમાં બનાવવામાં આવ્યું છે.