ધારીમાં રાસ રમતાં રમતાં ખેલૈયાને હાર્ટ એટેક, અચાનક ઢળી પડતાં સૌ ચોંકી ગયા

October 11, 2024

ધારી : ધારી ખાતે આવેલા પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગરબા રમી રહેલા ધારીના યુવક જાગૃત ગુર્જર (ઉ.વ.37) ને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તે અચાનક ઢળી પડ્યો હતો. જેથી ગરબામાં હાજર સૌ લોકો ચોંકી ગયા હતા અને તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં પહોંચતાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 


મૃતક યુવક છેલ્લા 10 વર્ષ ગરબાની પ્રેક્ટિસ કરાવતો હતો અને ખાનગી શાળામાં ડાન્સ ટીચર તરીકે પણ નોકરી કરતો હતો. આટલી નાની વયે હાર્ટ એટેક આવતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. આ ઘટનાથી સૌ અચંબિત થઇ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ થોડા દિવસો અગાઉ પુણેમાં ‘ગરબા કિંગ’ તરીકે ઓળખાતા પ્રખ્યાત ગરબા ડાન્સર અશોક માળીનું તેના પુત્ર સાથે ગરબા રમતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી. આ ઘટનાને લીધે આનંદનું વાતાવરણ શોકમાં પલટાઈ ગયું હતું. માળીને તાત્કાલિક પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડૉકટરોએ તેને મૃત ઘોષિત કરાયા હતા.