કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ કરી આપી માહિતી

May 12, 2025

દિગ્ગજ ભારતીય ખેલાડી વિરાટ કોહલીએ આખરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય લેતાં રાજીનામું આપી દીધું છે. વિરાટ કોહલીએ રોહિત શર્માના માર્ગે ચાલતા ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં જ બીસીસીઆઈને તેના આ નિર્ણય વિશે જણાવ્યું હતું. બીસીસીઆઈ તેને આ નિર્ણય પાછો ખેંચી લેવા મનાવવા પ્રયાસ કરી રહ્યું હતું. જોકે વિરાટે બીસીસીઆઈની વાત માની નથી. 

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં લખ્યું કે 14 વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ જર્સી પહેરીને પ્રવેશ લીધો હતો. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવા પ્રવાસ પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જેનું હું મારા બાકીના જીવનમાં અનુસરણ કરીશ.

શનિવારે સવારે વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી સંન્યાસ લઈ રહ્યો હોવાની જાહેરાત કરી હતી. વિરાટની આ જાહેરાત બાદથી બીસીસીઆઈ સતત તેને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે મનાવી રહ્યું હતું. હાલમાં જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. જેથી બીસીઆઈઆઈને આગામી ટેસ્ટ ટૂર્નામેન્ટ (ઈંગ્લેન્ડ પ્રવાસ) માટે મજબૂત ખેલાડીની શોધ હતી. એવામાં કોહલીની આ જાહેરાતથી બીસીઆઈઆઈ સતત તેને રિટાયરમેન્ટ પાછું લંબાવવા માટે મનાવી રહ્યું હતું. 

વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાએ વિરાટ કોહલીના રિટાયરમેન્ટ પર સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી કે, ટેસ્ટ ક્રિકેટને વિરાટની જરૂર છે!  તેણે લોંગ ફોર્મેટમાં રમવુ જોઈએ. ટેસ્ટ ક્રિકેટમાંથી હાલ સંન્યાસ લેવાની જરૂર નથી.