રિંકુ સિંહને એક પછી એક બે લાફા ઝીંકી દીધા કુલદીપ યાદવે, મેચ બાદ બની ઘટના

April 30, 2025

આઈપીએલ 2025ની 18મી સીઝનમાં ગઈકાલે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ મેચમાં કુલદીપ યાદવની વર્તૂણક વિવાદાસ્પદ બની છે. કુલદીપ યાદવે મેચ પૂર્ણ થયાના થોડી જ વારમાં કેકેઆરના બેટર રિંકુ સિંહને બે વખત લાફો ઝીંકી દીધો હતો. જેના લીધે ક્રિકેટ ચાહકો કુલદીપ યાદવથી નારાજ થયા છે અને રિંકુ સિંહની માફી માગવા અપીલ કરી છે. ગઈકાલે અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી DC vs KKR મેચમાં કોલકાતા 14 રનથી હારી હતી. આ મેચની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. જેમાં મેચ પૂર્ણ થયા બાદ બંને ટીમના ખેલાડીઓ એક-બીજા સાથે વાતચીત કરી રહ્યા હતાં. ત્યારે અચાનક દિલ્હી કેપિટલ્સના સ્પિનર કુલદીપ યાદવે કેકેઆરના બેટર રિંકુ સિંહને બે વખત લાફા ઝીંકી દીધા હતા. આ વાઈરલ વીડિયોમાં રિંકુ સિંહ ગુસ્સામાં દેખાય છે. જેથી તેના ચાહકો કુલદીપ યાદવથી નારાજ થયા છે. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી મેચ બાદ પોસ્ટ પ્રેઝેન્ટેશન માટે ઉભા હતા. ત્યારે કુલદીપ, રિંકુ અને અન્ય ખેલાડીઓ હસતા હસતા વાતો કરી રહ્યા હતા, ત્યાં અચાનક કુલદીપે રિંકુને લાફો ઝીંકી દીધો હતો. પહેલો લાફો માર્યો ત્યારે રિંકુએ સાહજિક લીધો હતો, પરંતુ ફરી બીજી વખત લાફો મારતાં રિંકુ ગુસ્સે થયો હતો. વીડિયો ક્લિપમાં ઓડિયો ન હોવાથી કુલદીપે કેમ રિંકુ સિંહને લાફો માર્યો તેનો ખુલાસો થયો નથી. પરંતુ ચાહકો નારાજ થયા છે. અને યાદવને માફી માગવા કહ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે યાદવના આ વ્યવહારની ટીકા કરી બીસીસીઆઈને તેના પર પ્રતિબંધ મૂકવાની માગ પણ કરી હતી.  2008ની આઈપીએલમાં શ્રીસંત અને હરભજન સિંહ વચ્ચે પણ થયેલો થપ્પડકાંડ ચર્ચામાં રહ્યો હતો. ત્યારે ભજ્જીએ શ્રીસંતને લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ હરભજનસિંહ પર આખી સીઝન માટે પ્રતિબંધ મૂકાયો હતો. આ સીઝનમાં ભજ્જી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અને શ્રીસંત કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમી રહ્યો હતો. આ મેચમાં બંને વચ્ચે વિવાદ થતાં હરભજને શ્રીસંતને લાફો માર્યો હતો.