LG IPO: શેર બજારમાં 50 ટકા પ્રીમિયમ સાથે બમ્પર લિસ્ટિંગ! દિવાળી પહેલા રોકાણકારોને ધનલાભ

October 14, 2025

એલજી ઈલેક્ટ્રોનિક્સના આઈપીઓએ આજે 50 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને ખુશ કર્યા છે. જે બીએસઈ ખાતે રૂ. 1140ની ઈશ્યૂ પ્રાઈસ સામે આજે 50.44 ટકા પ્રીમિયમે 1715ના સ્તરે લિસ્ટેડ થયો હતો. જેમાં રોકાણકારોને શેરદીઠ રૂ. 575 નો નફો થયો છે. આ આઈપીઓએ માર્કેટમાં રોકાણકારો અને નિષ્ણાતોની અપેક્ષા કરતાં (32 ટકા પ્રીમિયમ) વધુ આકર્ષક પ્રવેશ કર્યો છે. 

બીએસઈ ખાતે 1715ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ 1736.40ની ટોચે પહોંચ્યો હતો. જે 10.53 વાગ્યે ઈશ્યૂ પ્રાઈસ સામે 45.40 ટકા પ્રીમિયમે 1658ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. એનએસઈ પર 1749ની ટોચે પહોંચ્યો હતો.

લગભગ બે દાયકાથી ઈલેક્ટ્રોનિક્સની દુનિયામાં અગ્રણી એલજી ઈલેક્ટ્રોનિક્સે રૂ. 1140ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 11607 કરોડનો આઈપીઓ યોજ્યો હતો. જે સૌથી વધુ 4.5 લાખ કરોડથી વધુના બીડ મેળવનારો ભારતનો ટોચનો આઈપીઓ બન્યો હતો. કુલ 54.02 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 166.51 ગણો, એનઆઈઆઈ 22.44 ગણો અને રિટેલ 3.54 ગણો ભરાયો હતો.