બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયા વેન્ટીલેટર પર

December 02, 2025

ઢાકા : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયાની તંદુરસ્તી અત્યંત નાજૂક બની ગઈ છે. તેઓને વેન્ટિલેટર પર મુકાયા છે. સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય તબીબો તેઓની સારવારમાં વ્યસ્ત છે તેમ તેઓની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી.)ના નેતાઓએ આજે જણાવ્યું હતું. ખાલીદા ઝીયા ૮૦ વર્ષના છે તેઓને અનેકવિધ શારીરિક તકલીફોને લીધે ૨૩ નવેમ્બરે એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે તેઓએ છાતીમાં દુ:ખાવો થતો હોવાથી તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે તેવી ફરિયાદ કરી હતી. હૉસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેઓને હૃદય તથા ફેફસામાં તકલીફ છે. ચાર દિવસ પછી તેઓને કોરોનરી કેર યુનિટમાં દાખલ કરાયા હતા. ત્યારે ત્રણ ત્રણ વખત દેશના વડાપ્રધાનપદે રહેલાં આ મહિલાને અનેકવિધ શારીરિક તકલીફો છે. તેમ જાણવા મળ્યું હતું તે પછી તેઓને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા. આ માહિતી આપતા બીએનપીના ઉપપ્રમુખ એડવોકેટ અહમદ આઝમખાને ન્યુઝ પોર્ટલ 'ટી.વી.એસ. ન્યૂઝ નેટ' પર જણાવ્યું હતું કે તેઓ અનેક પ્રકારની બીમારીઓથી ઘેરાઈ ગયા છે તેઓનું લિવર ખરાબ થઈ ગયું છે. કીડની ફેલ્યોર છે ત્યારે ભારે ડાયાબીટીસ, આર્થરાઇટિસ તેમજ આંખોની પણ તકલીફ છે. આથી વધુ પ્રયત્નો પણ શા થઈ શકે ? હવે તો દેશવાસીઓએ તેઓની તંદુરસ્તી માટે અલ્લાહ સમક્ષ બંદગી જ કરવાની રહે છે.અહીંની એક ખ્યાતનામ તેવી 'એવરકેર હોસ્પિટલ'ના વેઇટિંગ એન્ક્લેવમાં અહમદ આઝમખાને પત્રકારોને સહેદ જણાવ્યું હતું. બીએપીના સેક્રેટરી જનરલે પણ પાર્ટીના ઉપપ્રમુખના આ કથનને ટેકો આપ્યો હતો.