કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ

December 04, 2025

કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કાશ્મીર ખીણનાં મોટા ભાગનાં વિસ્તારોમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે. તાપમાન ઘટવાની સાથે ખીણમાં ધુમ્મસનું પણ પ્રમાણ વધી ગયું છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ 4.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. એક દિવસ પહેલા શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ 2.5 ડિગ્રી સેલ્સિયસ હતું.શ્રીનગર અને તેની આસપાસનાં વિસ્તારોમાં ધુમ્મસની ગાઢ છાદર છવાઇ ગઇ હતી. સત્તાવાળાઓનાં જણાવ્યા અનુસાર દક્ષિણ કાશ્મીરનાં શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સેલ્સિયસ સાથે કાશ્મીરનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું.

રાજસ્થાનમાં પણ સતત ઠંડી વધી રહી છે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં લઘુતમ તાપમાન દસ ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. ફતેહપુર અને બિકાનેરમાં રાજ્યમાં સૌથી ઓછું 3.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

દિલ્હીમાં મહત્તમ તાપમાન 23.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જ જે સિઝનનું સૌથી ઓછંત મહત્તમ તાપમાન હતું. જ્યારે લઘુતમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. 

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)ના જણાવ્યા અનુસાર દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ૩૩૫ એક્યુઆઇ સાથે હજુ પણ વધારે ખરાબ કેટેગરીમાં રહ્યું હતું. સતત બીજા દિવસે દિલ્હીનું પ્રદૂષણ આ કેટેગરીમાં રહ્યું છે. 

તમિલનાડુનાં દરિયાકાંઠાના વિસ્તાર અને કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ડિપ્રેશન નબળું પડતા વરસાદ પડયોે હતો. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. ચેન્નાઇ, તિરુવલ્લુર, ચેન્ગાલપટ્ટુ અને કાંચીપુરમ જિલ્લાઓમાં પણ વરસાદ પડયો હતો.