કોંગ્રેસની જેમ ભાજપનો પણ હવે રાજકીય રીતે અંત આવી જશે- અખિલેશ યાદવ

March 19, 2023

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને અખિલેશ યાદવ કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષના ગઠબંધનને ટેકો ન આપે તો નવાઈ નહીં


2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્ય વિપક્ષી પાર્ટીઓ સત્તારૂઢ ભાજપને સત્તા પરથી હટાવવા માટે એક મોટી રાજકીય લડાઈની તૈયારીઓ શરૂ કરી રહી છે. ત્યારે તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ આ પ્રયાસમાં લાગેલા છે. જોકે આ દરમિયાન અખિલેશ યાદવે ભાજપ સામે નિશાન તાકતા એવી ટિપ્પણી કરી કે તેનાથી કોંગ્રેસને પણ માઠું લાગી શકે છે. જેનાથી વિપક્ષની એકજૂટતાના પ્રયાસોને મોચો આંચકો લાગી શકે છે. 


કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અખિલેશે કહ્યું કે ભાજપ વિપક્ષો સામે કેન્દ્રીય એજન્સીઓના "દુરુપયોગ" ને કારણે આગામી દિવસોમાં "કોંગ્રેસની જેમ" રાજકીય રીતે સમાપ્ત થઈ જશે. જાતિની વસ્તી ગણતરી પર ભાર મૂકતા અખિલેશે વધુમાં કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં તે મુખ્ય મુદ્દો હશે.
અખિલેશે કહ્યું કે પહેલા કોંગ્રેસ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરતી હતી અને હવે ભાજપ પણ તે જ કરી રહી છે. કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે.

ભાજપનું પણ આવી જ હાલત થશે. સપાના નેતાએ દાવો કર્યો હતો કે કોંગ્રેસે યુપીએ-2 શાસન દરમિયાન જાતિની વસ્તી ગણતરી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ પાછળથી પીછેહઠ કરી ગઈ હતી. અખિલેશે કહ્યું, 'અમે ઈચ્છીએ છીએ કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર જાતિની વસ્તી ગણતરી કરાવે. ઘણા નેતાઓ તેની માંગ કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસની જેમ ભગવો પક્ષ પણ તેને પૂર્ણ કરવા ઉત્સુક નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંભવિત વિપક્ષી મોરચાની ફોર્મ્યુલા શું હશે? તેના પર અખિલેશે કહ્યું કે અમે હાલ તેનો ખુલાસો કરવા માગતા નથી. તેમણે કહ્યું કે અમે વિપક્ષી મોરચાની ફોર્મ્યુલા જાહેર કરીશું નહીં. અમારો હેતુ ફક્ત ભાજપને હરાવવાનો છે.