રામપ્પા ઉત્સવમાં સાંસ્કૃતિક મંત્રી રેડ્ડીના આદેશથી મલ્લિકા સારાભાઈનો કાર્યક્રમ રદ

January 22, 2023

ટ્રસ્ટે મંદિરમાં "રામપ્પા ઉત્સવ" ઉજવવાની પરવાનગી માટે બે મહિના પહેલા અરજી કરી હતી


નવી દિલ્હી- નૃત્યાંગના મલ્લિકા સારાભાઈને તેલંગણાના રામાપ્પા મંદિરમાં નૃત્ય સમારોહમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. કાકટિયા હેરિટેજ ટ્રસ્ટના એક અધિકારીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ મલ્લિકા સારાભાઈના ડાન્સ સેરેમની માટે પરવાનગી આપી ન હતી.ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી બીવી પાપા રાવે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ તેમના દ્વારા શનિવારે આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ તે વારંગલ શહેરમાં અલગ જગ્યાએ આયોજિત કરાયો હતો. જો કે આ અંગે કેન્દ્રીય મંત્રી રેડ્ડી તરફથી કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી.
પ્રસિદ્ધ રામપ્પા મંદિર યુનેસ્કો હેરિટેજ સાઇટ છે. રાવે દાવો કર્યો હતો કે પ્રસિદ્ધ રામપ્પા મંદિર યુનેસ્કો હેરિટેજ સાઇટ છે અને ટ્રસ્ટે મંદિરમાં "રામપ્પા ઉત્સવ" ઉજવવાની પરવાનગી માટે લગભગ બે મહિના પહેલા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને અરજી કરી હતી.  તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે સારાભાઈ ભાગ લેવાના હતા ત્યારે રેડ્ડીએ ઈવેન્ટને મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. 


વારંગલ પહોંચેલી નૃત્યાંગના મલ્લિકા સારાભાઈએ કહ્યું કે હિંદુત્વના અંગત રાજકીય વિરોધને કારણે તેમને મંજૂરી આપવામાં આવી નથી, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. વારંગલમાં સ્થિત આ શિવ મંદિર એકમાત્ર એવું મંદિર છે, જેનું નામ તેના શિલ્પકાર રામપ્પાના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઈતિહાસ અનુસાર, કાકટિયા વંશના રાજાએ આ મંદિરનું નિર્માણ 12મી સદીમાં કરાવ્યું હતું. સૌથી મોટી વાત એ છે કે તે સમયગાળામાં બનેલા મોટાભાગના મંદિરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે, પરંતુ અનેક આફતો પછી પણ આ મંદિરને કોઈ ખાસ નુકસાન થયું નથી. આ મંદિર હજાર સ્તંભોનું બનેલું છે.