મનીષ સિસોદિયાના PA દેવેન્દ્ર શર્માની પણ પૂછપરછ થશે, EDએ મોકલ્યું સમન્સ

March 18, 2023

કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં સંડોવાયેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રિમાન્ડ લંબાવાયા છે. હવે આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી EDએ તેમના PA દેવેન્દ્ર શર્માને પણ સમન્સ મોકલ્યું છે. તેને 18 માર્ચે પૂછપરછ માટે ED હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ પણ PA શર્માને સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સમય માંગ્યો હતો. અગાઉ CBI તેમની પૂછપરછ પણ કરી ચૂકી છે.

AAP નેતા સિસોદિયાના PA શર્મા પર આરોપ છે કે તેમણે મનીષ સિસોદિયાના કહેવા પર પોતાના ખર્ચે મોબાઈલ ફોન ખરીદ્યા હતા. CBIએ બે અઠવાડિયા પહેલા આ અંગે તેમની પૂછપરછ કરી હતી. દિલ્હીની એક્સાઇઝ પોલિસી કેસમાં CBI અને ED કથિત કૌભાંડની તપાસ કરી રહી છે, તે પોલિસી હવે રદ કરવામાં આવી છે.