ગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક

December 20, 2025

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે એક મહત્ત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. કાંદિવલી અને બોરીવલી સેક્શન વચ્ચે છઠ્ઠી રેલવે લાઇનના નિર્માણ કાર્યને વેગ આપવા માટે રેલવેએ 20 ડિસેમ્બર, 2025થી 30 દિવસનો લાંબો ટ્રાફિક બ્લોક લેવાનો નિર્ણય કર્યો છે. આ બ્લોકને કારણે મુંબઈની લોકલ ટ્રેન સેવાઓ અને લાંબા અંતરની ટ્રેનોના સમયપત્રક પર મોટી અસર પડશે. પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિક વર્ક ઓર્ડર મુજબ, આ 30 દિવસના બ્લોક સમયગાળા દરમિયાન, અનેક સબર્બન (લોકલ) અને લાંબા અંતરની ટ્રેનોને તેમના નિર્ધારિત સ્ટેશન પહેલાં જ ટૂંકાવી દેવામાં આવશે અથવા નિર્ધારિત સ્ટેશનને બદલે અન્ય સ્ટેશનથી ઉપાડવામાં આવશે. આ સિવાય કેટલીક ટ્રેન સેવાઓને નિયંત્રિત (regulated), રિશિડ્યુલ અથવા સંપૂર્ણપણે રદ કરવામાં આવશે. ટ્રાફિક મેનેજમેન્ટના ભાગરૂપે, કેટલીક પસંદગીની ટ્રેનો બોરીવલી સ્ટેશન પર તેમનો શીડ્યુલ હોલ્ટ સ્કીપ કરશે, એટલે કે આ ટ્રેનો બોરીવલી સ્ટેશને ઊભી નહીં રહે. મુસાફરોની અગવડતા ઓછી કરવા માટે પણ રેલવે દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જે ટ્રેનો બોરીવલી સ્ટેશન પર ઊભી રહેવાની નથી, તેવી કેટલીક ચોક્કસ ટ્રેન સેવાઓ માટે બોરીવલીના વિકલ્પ તરીકે વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવશે.