ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ: મહુવામાં સાડા સાત ઈંચ વરસાદ, અમરેલીના રાયડી ડેમના દરવાજા ખોલાયા

October 27, 2025

અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલા જ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 21 તાલુકા એવા રહ્યા જ્યાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં 7.68 ઈંચ અને સિહોરમાં 5 ઈંચ જેટલો નોંધાયો હતો. જ્યારે પાલિતાણામાં 2.99 ઈંચ, ભાવનગર શહેરમાં 2.83 ઈંચ, જેસરમાં 2.64 ઈંચ, ઉમરાળામાં 2.13, તળાજામાં 1.89 ઈંચ, વલ્લભીપુરમાં 1.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના સોનગઢમાં 3.94 ઈંચ વરસાદ ખાબક્યો તો સુરતના ઉમરપાડામાં 3.66, સુરત શહેરમાં 1.89 ઈંચ, ઓલપાડમાં 1.26 ઈંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

સૌરાષ્ટ્રના અનેક કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદ શહેર સહિતના કોસ્ટલ બેલ્ટના ગ્રામ્ય વિસ્તારોમાં આખી રાત વરસાદ વરસ્યો. વડલી સહિત અનેક ગામોની શેરીઓ પાણીમાં તરબતર થઈ ગઈ અને દરિયાઈ વિસ્તારમાં પાણી ભરાયા હતા. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં પણ વરસાદ નોંધાયો.

રાજુલાના ડુંગર માંડળ, ડુંગરપરડા, કુંભારીયા, દેવકા, બાલાપર, મસુનદડા સહિતના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે ડુંગરની સ્થાનિક નદીમાં પૂર આવ્યું અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા.