સદસ્યતા અભિયાન ભાજપ હોદ્દેદારો માટે માથાનો દુઃખાવો ! પોલીસને ધંધે લગાડી સભ્યો બનાવ્યાં

October 13, 2024

સુરતમાં પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓને અભિયાનમાં જોતરી દેવાયા

અમદાવાદ : ભાજપના સદસ્યતા અભિયાનની ચારેતરફ ચર્ચો થઈ રહી છે. નવા સભ્યોની નોંધણીને મુદ્દે પક્ષમાં જ ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. કોપોરેટર, ધારાસભ્યો, સંસદ સભ્યો હોય કે વિવિધ હોદ્દેદારો તેમનો લક્ષ્યાંક પૂર્ણ કરવા રઘવાયા બન્યા છે. પક્ષના પાયાના કાર્યકરોની નારાજગી વચ્ચે ટાર્ગેટ પૂર્ણ કરવામાં ૫નો ટૂંકો પડી રહ્યો હોય હવે પોલીસ તંત્રને વધી અપાઈ હોવાનું જણાયું છે. કાયદો અને વ્યવસ્થાને કોરાણે મુકી પોલીસ તંત્રે ઉપરથી મળેલા નવા ટાર્ગેટ મુજબ સાત દિવસમાં 70 હજાર સભ્યોની નોંધણી કરાવી દીધી હોવાની ચર્ચા શહેર ભાજપમાં ઊઠી છે.


ભાજપનું સદસ્યતા અભિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પસંદગી પામેલા હોદ્દેદારો માટે માથાનો દુઃખાવો બની ચૂક્યું છે. સભ્ય નોંધણીની કામગીરી ઉપર સીધી દિલ્હી હાઈકમાન્ડથી નજર રાખવામાં આવી છે. બીજી તરફ છવાયેલી નીરસતા વચ્ચે ટાર્ગેટ પૂરો કરવા મોટાગજાના રાજકારણીઓનો પનો પણ ટૂંકો પડી રહ્યો છે. તાજેતરમાં બે મંત્રીઓનો સંવાદ વાઈરલ થયો છે. હવે સરકારી તંત્રના ખભે સદસ્યા અભિયાન પૂરું કરવાની વાતે રાજકીય ચકરાવો લીધો છે.


સુરત સિટીમાં શહેર પોલીસ પાસે કામગીરી કરાવાઈ હોવાનો સૂર ઊઠ્યો છે. શહેરના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા અધિકારીઓ કે કર્મચારીઓને સદસ્યા અભિયાનમાં ટાર્ગેટ આપી જોતરી દેવાયા છે. પોલીસના ખભે નવી રાજકીય બંદૂક મુકી દેવાતા પોલીસ બેડામાં કચવાટ છવાયો છે. એકાએક સીધી પાટી બેઈઝ કામગીરી સાથે પોલીસ તંત્રને જોડી દેવાતા કર્મચારીઓના મોઢેથી ડચકારા બોલવા લાગ્ય છે.જો કે, મોઢું મચકોવીને પણ પોલીસે તેમની કામગીરીની આગવી સ્ટાઈલ મુજબ સદસ્યતા અભિયાન માટે મળેલો ટાર્ગેટ એક સપ્તાહમાં જ પૂર્ણ કરી દીધો છે. સાત દિવસમાં સીતેર હજાર સભ્યોની નોંધણી થઈ જતાં રાજકારણીના મોઢા ઉપર મલકાટ છવાયો છે. બીજી તરફ શહેર ભાજપના અન્ય નેતાઓ કે હોદ્દેદારો તેમને મળેલા મતના પચાસ ટકા સભ્યો બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.