Metaએ તેની સોશિયલ મીડિયા એપમાંથી રશિયન મીડિયા પર પ્રતિબંધ મૂક્યો

September 18, 2024

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ તેના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી રશિયન મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. મેટાએ જાહેરાત કરી કે તેણે કથિત 'વિદેશી હસ્તક્ષેપ' પ્રવૃત્તિઓને કારણે રશિયન રાજ્ય મીડિયા RT ન્યૂઝ અને અન્ય ક્રેમલિન-નિયંત્રિત નેટવર્ક પર પ્રતિબંધ મૂક્યો છે.

મેટાએ આક્ષેપ કર્યો હતો કે રશિયન મીડિયાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓળખ ટાળીને પ્રભાવની કામગીરી ચલાવવા માટે ભ્રામક યુક્તિઓનો ઉપયોગ કર્યો છે. મેટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "સાવધાનીપૂર્વક વિચારણા કર્યા પછી, અમે રશિયન રાજ્ય મીડિયા આઉટલેટ્સ સામે અમારા ચાલુ પ્રતિબંધોને વિસ્તૃત કર્યા છે." Rossiya Segodnya, RT અને અન્ય સંબંધિત નેટવર્કને વિદેશી હસ્તક્ષેપ પ્રવૃત્તિ માટે વૈશ્વિક સ્તરે અમારી એપ્સમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.”

મેટાએ બીજી વખત આ પગલું ભર્યું છે, આ પહેલા 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયા દ્વારા ફેલાતી ખોટી માહિતીને રોકવા માટે મેટાએ રશિયન નેટવર્કને મર્યાદિત કરી દીધું હતું. મેટાએ રશિયન સરકાર સાથે સંબંધિત એજન્ડા ચલાવતી પોસ્ટ્સ અને એકાઉન્ટ્સને હટાવી લીધા હતા અને ડિમોનેટાઇઝ કરી દીધા હતા.